મહિલાએ પહેલા પુત્રનો જીવ લીધો પછી કરી આત્મહત્યા

Files Photo
આંધપ્રદેશ: આંધ્ર પ્રેદશના રાજમુંદરીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ૩૩ વર્ષની મહિલા ડોક્ટર લાવણ્યા દોથામશેટ્ટીએ પહેલા પોતાના ૭ વર્ષના પુત્રને ઊંઘની ગોળીઓ ખવડાવીને મોત આપી દીધુ અને પછી તેણે પોતે પણ આ જ ઊંઘની ગોળીઓ ગળીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યાનું કારણ તો હજુ જાણવા મળ્યું નથી.
પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. મહિલા ડોક્ટરની ઓળખ લાવણ્યા દોથામશેટ્ટી તરીકે થઈ છે. જે ડર્મિટોલોજિસ્ટ હતી અને રાજમુંદરીના રાજમહેન્દ્રવરમ સ્થિત બુદ્ધા હોસ્પિટલના જાણીતા ડોક્ટર બુદ્ધાની પુત્રી હતી.
લાવણ્યા દોથામશેટ્ટીએ થોડા વર્ષ પહેલા તેલંગણાના વારંગલમાં રહેતા વામસી કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક ૭ વર્ષનો પુત્ર હતો. જેનું નામ નિશાંત હતું. લાવણ્યા અને તેના પતિ વામસી વચ્ચે થોડા સમયથી સંબંધ બગડ્યા હતા અને તે ૨ મહિના પહેલા પિતાના ઘરે આવી ગઈ હતી. લાવણ્યાના પિતા ડો.બુદ્ધાના જણાવ્યાં મુજબ પતિ વામસી કૃષ્ણએ હાલમાં જ ડિવોર્સની નોટિસ મોકલી હતી. ત્યારબાદથી તે ડિપ્રેશનમાં હતી.
૩૩ વર્ષની લાવણ્યાએ પહેલા પોતાના ૭ વર્ષના પુત્રને ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી અને ત્યારબાદ પોતે પણ ગળીને આત્મહત્યા કરી લીધી. વધુ પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાઈ લીધા બાદ બંને બેભાન થઈ ગયા. જ્યારે પરિવારજનોને ખબર પડી તો તેઓ તરત તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. લાવણ્યાના પિતા ડો. બુદ્ધાએ કહ્યું કે મારી પુત્રીએ તેના પતિના ઉત્પીડનના કારણે આત્મહત્યા કરી છે. હાલ પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે.