Western Times News

Gujarati News

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ પાંચ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાયો

માહિતી બ્યુરો, પાટણ:આગામી ટૂંક સમયમાં જ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ થવાની છે ત્યારે જિલ્લાના વિવિધ પાંચ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન કરવામાં આવ્યું. જે પૈકી પાટણ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડ્રાય રનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ જનસામાન્ય સુધી પહોંચાડવા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું.

જેના ભાગરૂપે જિલ્લામાં સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ હોસ્પિટલ, ચાણસ્મા તાલુકાના ગંગેટ ખાતે આવેલી અનુપમ પ્રાથમિક શાળા ઉપરાંત પાટણ શહેરની જનરલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર-૦૧ અને શાંતિનિકેતન સ્કુલ એમ ત્રણ સ્થળોએ મળી ૦૫ સ્થળોએ વેક્સિનનું ડ્રાય રન કરવામાં આવ્યું. જેમાં ૧૨૨ આરોગ્યકર્મીઓએ ભાગ લીધો હતો.

 વેક્સિનેશન માટેની પ્રક્રિયા સમજાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, કોવિડ-૧૯ વેક્સિનેશન માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.

તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા આજે કરવામાં આવેલા ડ્રાય રનથી આ વ્યવસ્થા વધુ સચોટ બનાવી શકાશે. ડ્રાય રનની પ્રેક્ટીસના કારણે તમામ આરોગ્યકર્મીઓ તેમની કામગીરી બાબતે વધુ ચોક્કસ બનશે જેથી રસીકરણ કાર્યક્રમ સમયે કોઈ અવ્યવસ્થા કે દુવિધા ઉભી થવાનો અવકાશ ન રહે.

આરોગ્યકર્મીઓ રસીકરણની સ્ટાન્ડર્ડ પ્રોસિજર તથા ઑનલાઈન સોફ્ટવેરની કાર્યપદ્ધતિથી અવગત થાય તેવા હેતુ સાથે ડમી લાભાર્થી પર ડ્રાય રન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વેઈટીંગ રૂમમાં બેસાડી રસી મુકાવવા આવેલા વ્યક્તિઓને ક્રમ મુજબ તેમની આઈડેન્ટીટી ચેક કરવામાં આવી.

ત્યારબાદ વેક્સિનેટર ઑફિસર દ્વારા તેમને નોર્મલ સલાઈન ઈન્જેક્ટ કર્યા બાદ કોવિડ વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરમાં તેની એન્ટ્રી અને વેલિડેશન કરવામાં આવ્યું. રસી લીધા બાદ તેની કોઈ આડઅસર થાય છે કે કેમ તેના પર દેખરેખ રાખવા રસી લેનાર વ્યક્તિઓને ૩૦ મિનિટ સુધી ઑબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા.

પાટણની જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ ડ્રાય રન દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.એસ.સાલ્વી, સિવિલ સુપ્રિટેન્ડન્ટશ્રી ડૉ. અરવિંદ પરમાર, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.શ્રી ડૉ. જશવંત યાદવ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ગૌરાંગ પરમાર સહિત આરોગ્ય વિભાગના મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.