બીમાર પૂર્વ કર્મચારીની ખબર કાઢવા તેની ઘરે પહોંચી ગયા રતન ટાટા

નવી દિલ્હી, દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને જાણીતા ઉદ્યોગ ગૃહ ટાટા ગ્રુપના માલિક એવા રતન ટાટા પોતાના માનવતાવાદી અભિગમ માટે જાણીતા છે.
હવે રતન ટાટા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે.રતન ટાટા પોતાના પૂર્વ કર્મચારી બીમાર હોવાનુ જાણ્યા બાદ કર્મચારીના ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી ગયા હતા. યોગેશ દેસાઈ નામના એક યુઝરે સોશિયલ મીડિયા પર રતન ટાટા કર્મચારી અને તેના પરિવારજનોને મળી રહ્યા હોય તેવી તસવીર પણ શેર કરી છે.
આ પોસ્ટમાં તેમણે કહ્યુ છે કે, ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા પોતાના પૂર્વ કર્મચારીને મળવા માટે પૂણેની ફ્રેન્ડસ સોસાયટી ખાતે પહોંચ્યા હતા.તેઓ કોઈ મીડિયા કે સિક્યુરિટી વગર વફાદાર કર્મચારીઓને મળ્યા હતા.અન્ય ઉદ્યોગપતિઓએ પણ તેમના વ્યવહારમાંથી શીખ લેવી જોઈએ, મહાન વ્યક્તિ બનવા માટે પૈસા બધુ નથી હોતા.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.લોકો તેના પર વખાણ કરતી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.આ પહેલા ટાટા ગ્રુપની મુંબઈ સ્થિત તાજ હોટલ પર આતંકી હુમલો થયો હતો ત્યારે તેમાં પ્રભાવિત તમામ 80 કર્મચારીઓના પરિવારને પણ રતન ટાટા મળ્યા હતા.તેમના બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવવાની અને તેમના પર જે પણ દેવુ હતુ તે માફ કરવાની પણ જાહેરાત કરી હતી.
કોરોનાકાળમાં પણ ટાટા ગ્રૂપે પોતાના એક પણ કર્મચારીને નોકરીમાંથી કાઢ્યો નથી.કારણકે રતન ટાટા આ પ્રકારે કર્મચારીની છટણી ના થવી જોઈએ તેવો અભિપ્રાય ધરાવે છે.