Western Times News

Gujarati News

ગુજરાત કૅન્સર & રિસર્ચના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની ગાંઠ કાઢી

રાજસ્થાનના ગરીબ દર્દી ભોજરાજ મીણાને ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નવજીવન પ્રાપ્ત થયું- સતત ૧૧ કલાક ચાલેલા ઑપરેશન પછી ૪૦ સેન્ટિમિટર જેટલી મોટી અને સાર્કોમા તરીકે ઓળખાતી અતિ દુર્લભ ગાંઠ નીકળી

દુર્લભ ગાંઠનું કાઢવાનું ઓપરેશન અને ગાંઠ કાઢ્યા પછીનું રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક પાર પાડતા GCRIના કાબેલ તબીબો

અફાટ રણમાં ભૂલા પડેલા એક તરસ્યા માણસને “રણમાં મીઠી વિરડી – An Oasis in the Desert” મળી આવે તો કેવું લાગે? આવી જ કંઈક અનુભૂતિ કોઇ ગરીબ અને નિઃસહાય દર્દીને થતી હશે જ્યારે તેનો યોગ્ય ઇલાજ થાય કે તેને પોતાના ઇલાજ માટે એક યોગ્ય ઠેકાણું મળી જાય.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળની ગુજરાતની સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર “જ્યાં માનવી ત્યાં સુવિધા” અને “સ્વાન્તઃ સુખાય”ની લોકહિત નેમ સાથે જીવમાત્રની આરોગ્ય સુશ્રુષા-સેવાની આહલેક જગાવી છે તેવા સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) આવા કેટલાય હિંમત હારેલા ગરીબ અને લાચાર દર્દીઓને “રણમાં મીઠી વિરડી”ની અનુભૂતિ કરાવી રહી છે.

ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)ના તબીબોએ રાજસ્થાનના એક ગરીબ દર્દીના જડબામાંથી દોઢ કિલો વજનની એક દુર્લભ ગાંઠ કાઢીને તેને નવજીવન બક્ષ્યું છે. આ ઘટના એ માત્ર અમદાવાદ સિવિલ જ નહીં પણ સમગ્ર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવરૂપ ઘટના છે.

આ સમગ્ર ઘટના એવી છે કે રાજસ્થાનના એક ગામના ૩૫ વર્ષનો દર્દી ભોજરાજ મીણાના નીચેના જડબામાં ગાંઠ હતી. તેમણે રાજસ્થાનની મોટી હોસ્પિટલો અને બીજી મોટી હોસ્પિટલોમાં બતાવ્યું હતું. બધી જગ્યાએ પાંચ થી આઠ લાખ જેવડો તોતિંગ ખર્ચ થાય તેમ હતો. ગરીબ ભોજરાજ મીણાના પરિવારને આવડો મોટો ખર્ચો શી રીતે પોસાય?

ભોજરાજ મીણાના પરિવારને એક સ્નેહીજને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી સુવિખ્યાત ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)માં બતાવી જોવાની સલાહ આપી. એક દુઃખી માણસ આશાના દરેક કિરણ ભણી દોડી જતો હોય છે. ભોજરાજ મીણાના પરિવારને ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આશાનું એક કિરણ દેખાયું.

GCRIના તબીબોએ સિટી સ્કેન, ત્યારપછી MRI અને PET-CT સહિતના જરૂરી ટૅસ્ટ કર્યાં. ડોક્ટરોએ વધુ ખાતરી માટે બાયોપ્સીનો ટૅસ્ટ પણ કર્યો. બાયોપ્સીના ટૅસ્ટ બાદ તબીબોને જણાયું કે ભોજરાજ મીણાને ખુબ જ દુર્લભ – એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે એવી સાર્કોમા તરીકે ઓળખાતી ગાંઠ હતી. આ સાર્કોમા ગાંઠ એ વ્યસનથી નહીં પણ માનવ જિનેટિક્સના ઑલ્ટરેશનથી થાય છે.

ભોજરાજ મીણાનો પરિવાર કે અન્ય કોઇ આ સાર્કોમા પ્રકારની ગાંઠને સમયસર ઓળખી નહોતા શક્યા,

જેના લીધે ગાંઠ સતત વધતી ગઈ અને છેલ્લે જ્યારે GCRIના ડોક્ટર્સે ઓપરેશન કરીને ગાંઠ કાઢી ત્યારે તે ગાંઠ ૪૦ સેન્ટિમિટર્સ જેટલી મોટી થઈ ગઈ હતી અને તેનું વજન ૧.૫ કિલોગ્રામ જેટલું થઈ ગયું હતું.

આ સંદર્ભમાં GCRIના ડૉ. પ્રિયાંક રાઠોડે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે “આ ગાંઠ GCRIના તબીબો માટે અચરજરૂપ હતી જ, તે કરતાય વધુ પડકારજનક હતું

તે ગાંઠ કાઢ્યા પછીનું રિકન્સ્ટ્રક્શન! ગાંઠ કાઢ્યા પછી તેના સ્થાને શું મૂકવું જેથી દર્દીને જીવન જીવવામાં તકલીફ ન પડે અને દર્દી કેવી રીતે સામાન્ય જીવન જીવી શકે? તેના ઉપર GCRIના તબીબોનું લક્ષ્ય હતું. પણ GCRIના તબીબોએ દરેક પડકારને હલ કરી દીધો.”

GCRIના ડાયરેક્ટર શશાંક પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડો. પ્રિયાંક રાઠોડ, ડો. સુપ્રીત ભટ્ટ, ડો. ડિપીન, ડો વિશ્વંત અને એનેસ્થેસિયાની ટીમે સતત ૧૧-૧૨ કલાકના લાંબા સમયગાળા સુધી ભોજરાજ મીણાનું ઓપરેશન કર્યું અને આ મોટી ગાંઠને દૂર કરવામાં સફળતા મેળવી. આટલું જટિલ ઓપરેશન સફળ થયા બાદ માત્ર ભોજરાજ મીણાનો પરિવાર જ નહીં પણ તબીબો-ઍનેસ્થેટિસ્ટ્સની સમગ્ર ટીમ પણ અત્યંત ખુશ હતી, જે GCRIના તબીબોની ફરજનિષ્ઠા પ્રત્યે અંગૂલીનિર્દેશ કરે છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સાર્કોમા પ્રકારની ગાંઠ ખુબ જ દુર્લભ હોય છે તેથી ડોક્ટર્સ પાસે પણ સ્વાભાવિક રીતે તે નવાઈનો વિષય હતી.

આ ગાંઠને દૂર કરવાના ઓપરેશન માટે પણ ડોક્ટર્સને તબીબી વિજ્ઞાનના સાહિત્યમાં જે લખાયેલું હોય તેના પર જ દારોમદાર રાખવો પડે તેમ હતો, તેમ છતાં ડોક્ટર્સે સાહિત્ય અને પોતાની આગવી સૂઝબૂઝના સુભગ સમન્વયથી કામ લઇને ભોજરાજ મીણાને મોતના મુખમાંથી ઉગાર્યાં.

ઓપરેશન બાદ ICUમાં ભોજરાજ મીણાને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા. દર્દીને નાક વડે શ્વાસ લેવામાં તકલીફ ન પડે એટલે તબીબોએ ગળામાં કાણું પાડીને વિન્ડ પાઇપ ગોઠવી. છેવટે તબિયતમાં સુધારો જણાતા ભોજરાજને ઘરે જવાની રજા આપી દેવાઈ.

હવે ભોજરાજ મીણા રાજસ્થાન પોતાના ઘરે પરિવાર સાથે રાજીખુશીથી સમય વિતાવી રહ્યાં છે અને સમયાંતરે ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)માં નિયમિત ફૉલોઅપ માટે આવતા રહે છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતની લોકહિતલક્ષી સરકાર પ્રત્યેક ગરીબ-જરૂરિયાતમંદ માનવીને વિના વિલંબે તમામ સેવા પૂરી પાડવા સમર્પિત અને કૃતનિશ્ચયી છે. GCRIના તબીબોની આ વિરલ સિદ્ધિએ GCRIની “રણમાં મીઠી વિરડી”ની જે ઉમદા પ્રતિષ્ઠા છે તેને વધુ બળકટ બનાવી છે, તદુપરાંત ગુજરાત સરકારની લોકસેવાની નેમ માટે પણ “સોને પે સુહાગા”ની સ્થિતિ સર્જનારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.