મહેસાણાની ઈલેક્ટ્રીક કેબલ બનાવતી કંપનીમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડો પાડ્યો
કંપનીના ઉત્પાદનો પર BIS નો લોગો લગાવતા હતા, ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 200,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.
પ્રાપ્ત માહિતીના આધારે ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 05-01-2021ના રોજ કેબલ ઉત્પાદક મેસર્સ જૈનેક્સ વાયર્સ એન્ડ કેબલ્સ, 2, ઓમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, શોભાસન રોડ, કુકાસ, મહેસાણા (ગુજરાત)ના પરિસરમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દુરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા, જૈનેક્સ તથા કૈપશન બ્રાન્ડના 50000 મીટરથી વધુના કેબલ સીલ કરવામાં આવ્યા હતા.
આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 200,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.
લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે ISI માર્કાનો ઉપયોગ થતો હોય છે. જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. (ટેલિફોન – 27540314)ને જાણ કરી શકે છે. ફરિયાદને [email protected] અથવા [email protected] પર ઈ-મેઈલ પણ કરી શકાય છે. આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.