Western Times News

Gujarati News

અમદાવાદને સેનિટાઈઝ કરવા માટે ૧૩ ટન પાવડર તથા ૭૮ હજાર લીટર પ્રવાહી દવા વપરાઈ

કોરોનાકાળમાં ફાયરબ્રિગેડની દવા છંટકાવ સહિતની અસરકારક કામગીરી

-સારથી એમ. સાગર દ્વારા

રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ થયો એનો સૌથી વધુ ભોગ અમદાવાદ શહેર બન્યું હતું. અને રાજ્યમાં સૌથી વધુ કેસોની સંખ્યા અમદાવાદની રહી હતી. આ દરમિયાન મેડીકલ તથા પોલીસ તંત્રએ શહેરને આ રોગચાળામાંથી મુક્ત કરવા સૌથી વધુ મહેનત કરી હતી. પરંતુ આ બંનેની સાથે જ મ્યુનિસિપલ કોર્પાેરેશન સંચાલિત ફાયર બ્રિગેડે પણ આ રોગચાળાને અટકાવવા માટે એટલી જ મહેનત કરી હતી અને લોકડાઉનની શરૂઆતથી આજદિન સુધી શહેરમાં કોઈને કોઈ જગ્યાએ સેનિટાઈઝેશનની કામગીરી ફાયર બ્રિગેડ સંભાળી રહ્યું છે.

જનતા કફ્ર્યુનાં દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન, મેડીકલ તબીબો, સહિતનાં અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં સેનિટાઈઝેશનનો નિર્ણય લેવાતાં ચીફ ફાયર ઓફીસર દસ્તુરે સામે ચાલીને આ માટે ફાયર બ્રિગેડનાં મશીનો, વાહનો તથા ફાયરમેનનો ઊપયોગ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

આ માટે જમાલપુર ફાયર સ્ટેશન ખાતે ફક્ત કોરોનાને લગતી કામગીરી માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો હતો. જેમાં ફાયર ઓફીસર ઈનાયત શેખ તથા ફાયરમેન પ્રવીણભાઈ રાણા શરૂઆતથી આ કામગીરી સંભાળી રહ્યાં છે. અને અધિકારીઓની દેખરેખમાં શહેરભરમાં દવા છંટકાવ તથા કંન્ટેન્ટમેન્ટ ઝોનમાં અસરકારક કામગીરી કરવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે. દવા છંટકાવ તથા સેનિટાઈઝેશનની કામગીરીથી પણ કોરોનાના કેસોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થયો છે. જેનાં પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશન સંચાલિત ફાયર બ્રિગેડ વિભાગની આ મહત્ત્વપૂર્ણ કામગીરી તરફ જાેકે ખૂબ ઓછું ધ્યાન ગયું છે. ફાયર બ્રિગેડ વિભાગે હાલ સુધીમાં ૧૩ હજાર કિલોથી વધુ પાવડર તથા ૭૮ હજાર લિટરની વધુ લીકવીડ સેનેટાઈઝનો ઉપયોગ કર્યાે છે. અને લગભગ સમગ્ર શહેરમાં સેનેટાઈઝેશનની કામગીરી કરી છે.

આ અંગે ફાયર ઓફીસર ઈનાયતભાઈ શેખ જણાવે છે કે લોકડાઉન શરૂ થયું એ સમયે નાગરીકો થોડાં ગભરાયેલાં હતાં એ સમયે ઉપરી અધિકારીઓ, કોર્પાેરેટરો કે સામાન્ય નાગરીકોનાં કોલ કે વર્દી મળે એટલે તુરંત અમે ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી દવાનો છંટકાવ કરતાં હતાં. ઊપરાંત શહેરનાં મુખ્ય માર્ગાે, સોસાયટીઓ, પોળો, સરકારી ક્ચેરીઓ, હોસ્પિટલો તથા કોર્ટાે એમ આખા શહેરને સેનેટાઈઝેશન હેઠળ આવરી લીધું હતું.

લોકડાઉનમાં કુલ ૧૬ ગાડીઓ અને દરેક ગાડીમાં ૬ માણસોનાં સ્ટાફ સાથે રોજની બે શિફ્ટમાં સવારે ૭થી રાત્રે ૧૦ વાગ્યા સુધી આ કામગીરી ચાલતી હતી. પ્રોટેક્ટ બુમ, સ્પ્રેયર મશીન, ન્યુસન્સ ટેન્કર, સ્પ્રેયીંગ ટ્રેક્ટર જેવાં મશીનો આ દરમિયાન વપરાયા હતા.

શહેરમાં કેટલીક જગ્યાએ ૫થી ૧૫ કે તેથી વધુ જેટલાં બલ્ક કેસો આવવાની શરૂઆત થઈ હતી. એ વખતે ફરજ પરનાં અધિકારીઓ રોજ જાહેર થતાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારોનાં લિસ્ટ જાેઈને કોઈનાં કોલની રાહ જાેયા વગર જ સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરી દેતાં હતાં. કેટલીક જગ્યાએ ડ્રોન દ્વારા પણ લીકવીડનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

લોકડાઊન બાદ:
૧ જૂન, ૨૦૨૦થી અનલોકની શરૂઆત થઈ હતી. એ વખતે કોર્પાેરેશન દ્વારા ફાયર વિભાગને છોટા હાથી અને બોલેરો જેવાં ૧૬ નાનાં વાહનો આપવામાં આવ્યા હતાં. જેમની ઉપર પમ્પ તથા ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂન મહિનાથી આ ૧૬ ગાડીઓ દ્વારા દરરોજ ૮ કલાકની કામગીરી હજુ સુધી ચાલુ છે.
લોકડાઉનથી લઈને આજ સુધીમાં શહેરની દરેક હોસ્પિટલો, કોર્ટ, સરકારી ક્ચેરીઓમાં નિયમિત રીતે સેનિટાઈઝેશન કરાયું હતું. જ્યારે સિવિલ હોસ્પિટલ, અસારવા કે જ્યાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ત્યાં બે ગાડીઓ હાલમાં પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત શારદાબેન, એલજી, એસવીપી જેવી હોસ્પિટલોમાં પણ નિયમિત રીતે સેનિટાઈઝ કામગીરી ચાલુ હોય છે.

સેનિટાઈઝેશન માટે ૧૬ મીની ફાયર ફાઈટર, ૬ બુમ સ્પ્રેયર, ૨ ટ્રેક્ટર, ૧૨ ન્યુસન્સ ટ્રેક્ટર, ૨ હેન્ડ સ્પ્રેયીંગ ટેન્ક, ૧ ચક્રવાત તથા ૧ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યવાહી દરમિયાન મોટેભાગે તો ફાયરનાં જવાનોને નાગરીકોનો સપોર્ટ મળ્યો હતો. પરંતુ ક્યારેક વર્દી મુજબ સેનિટાઈઝની કામગીરી દરમિયાન આસપાસની સોસાયટીનાં રહીશો પોતાને ત્યાં પણ સેનેટાઈઝ કરવા માટે માથાકુટ કરતાં હતા. ઉપરાંત આ કામગીરી ચાલતી હોય ત્યારે કેટલાંક ઊત્સુક-ઊત્સાહી નાગરીકો તેમની મદદ કરવા માટે હાથમાંથી પાઈપો લઈ લેતાં હતાં.

પરંતુ તેમને મશીનથી ઈજા થાય કે મશીન બગડે અથવા દવા તેમનાં ઉપર ન ઢોળાય એ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડતું હતું. જાે કે ફાયર બ્રિગેડનાં જવાનોએ આ તમામ સમસ્યાઓ સામે સમજાવટથી કામ લીધું હતું.
કોરોના જેવી મહામારી કદાચ આપણી જનરેશને પ્રથમ વખત જાેઈ છે. તમામ પ્રકારની પરિસ્થિતિ માટે સજ્જ ફાયર બ્રિગેડ માટે પણ આ સ્થિતિ નવી હતી. જાેકે કોરોના દરમિયાન કામગીરીનો આ અનુભવ તેમને ઘણું નવું શીખવી ગયો છે એવું ફાયર બ્રિગેડનું માનવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.