ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ તોફાનીઓને દેશભક્ત ગણાવ્યા
વૉશિંગ્ટન, અમેરિકામાં વૉશિંગ્ટન ડીસીમાં વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના સમર્થકોએ આચરેલી હિંસાને બિરદાવતાં ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ તોફાનીઓને સોશ્યલ મિડિયા પર ‘દેશભક્ત’ ગણાવ્યા હતા.
જો કે પાછળથી સોશ્યલ મિડિયા પર ઇવાન્કાની આકરી ટીકા થતાં એણે પોતાની ટ્વીટ ડિલિટ કરી નાખી હતી અને પોતાના બચાવમાં વાતો કરવા માંડી હતી
પહેલાં ઇવાન્કાએ લખેલું, ‘ઓ અમેરિકી દેશભક્તો, હિંસાનું કોઇ પગલું કે કાયદાનું ઉલ્લંઘન કોઇ રીતે સ્વીકારી શકાય નહીં. હિંસા તત્કાળ બંધ કરો. શાંતિ રાખો…’
એની આ ટ્વીટની તત્કાળ આકરી ટીકા થવા લાગી હતી અને તોફાનીઓને દેશભક્ત ગણાવવા બદલ હજારો વપરાશકારો ઇવાન્કા પર રીતસર તૂટી પડ્યા હતા. ત્યારબાદ ઇવાન્કાને કાં તો પોતાની ભૂલ સમજાઇ હતી અને એણે આ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી.
એક અમેરિકી પત્રકાર કેટ બેનેટે ઇવાન્કાની ટ્વીટને પડકારી હતી અને ટ્વીટ કરી હતી કે ઇવાન્કા તમે સ્પષ્ટતા કરો. તમે કહો છો કો હિંસક દેખાવો કરનારા દેશભક્ત છે….ત્યારબાદ ઇવાન્કાએ નવેસર ટ્વીટ કરી હતી અને એમાં લખ્યું હતું કે હિંસાની જબરી ટીકા થવી ઘટે છે. હિંસા સ્વીકાર્ય નથી. એની આકરી ટીકા થવી ઘટે.
દરમિયાન, અમેરિકામાં ટ્ર્મ્પ સમર્થકોએ હિંસક દેખાવો કર્યા બાદ ટ્વીટરે ચોવીસ કલાક માટે ડોનાલ્ડ ટ્ર્મ્પના ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધો હતો. યુ ટ્યુબે પણ ટ્ર્મ્પના વિડિયોને હટાવી દીધો હતો. ફેસબુકે ટ્રમ્પનો વિડિયો હટાવી દેતાં લખ્યું હતું કે ટ્રમ્પના વિડિયોથી વધુ હિંસા ભડકી શકે છે. આ ઇમર્જન્સી છે. ત્યારબાદ ફેસબુકે પણ ટ્રમ્પના વિડિયોને હટાવી દીધો હતો.