Western Times News

Gujarati News

દહેજના મામલે અત્યાચારની પરીણિતા દ્વારા ફરિયાદ થઈ

Files Photo

અમદાવાદ: અમદાવાદ શહેરના રામોલ પોલીસસ્ટેશનમાં એક યુવતીએ પોતાની સાથે થતા અત્યાચાર ને લઈને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના પતિને વિદેશ જવાનું ભૂત ઉપડ્યું હતું. પણ તેના ત્રણ વાર વિઝા કેન્સલ થયા હતા.

જેથી આ યુવતીની સાસુએ હિન્દી ફિલ્મની કહાની ની જેમ એક વિચિત્ર પ્લાન ઘડી નાખ્યો હતો. આ યુવતીને તેના સાસરિયાઓ એ જણાવ્યું કે તેનો પતિ અમેરિકા જાય એ પહેલાં તે કાગળ પર ખાલી છૂટાછેડા આપી દે અને બાદમાં તે વિદેશ જઈને ગ્રીનકાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરી ગ્રીનકાર્ડ મેળવી લેશે અને બાદમાં તેને છોડીને ફરી આ યુવતીને પત્ની તરીકે અપનાવી લેશે.

આ પ્લાન સાંભળીને જ યુવતી ચોંકી ઉઠી હટીમ બીજીબાજુ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સગાઈ થઈ ત્યારે કામવાળી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સાસરિયાઓએ ગાડી લેવાનું કહ્યું હતું.

સાસરિયાઓ એ ગાડી તો લીધી પણ કામવાળી ન રાખતા યુવતી નોકરીની સાથે ઘરકામ પણ કરીને થાકી જતી હતી. સમગ્ર મામલે યુવતીના આક્ષેપ મુજબ પોલીસે ફરિયાદ નોંધી હવે તપાસ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાલમાં રહેતી ૩૦ વર્ષીય યુવતી ખાનગી બેંકની ઓઢવ બ્રાન્ચ ખાતે નોકરી કરે છે.

તેના લગ્ન વર્ષ ૨૦૧૫માં એક યુવક સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. તે પહેલા આ યુવતીએ વર્ષ ૨૦૧૪માં બંને પરિવારોની મંજૂરીથી કોર્ટ મેરેજ પણ કર્યા હતા. આ યુવતીના લગ્ન થયા ત્યારે તેનો પતિ ગાંધીનગર ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. અને આ યુવતી પણ એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી.

વર્ષ ૨૦૧૩માં જ્યારે યુવતી ની સગાઈ થઈ ત્યારે તેના સાસરિયાઓએ પહેલેથી જ એક ગાડી ની માગણી કરી હતી. લગ્ન કર્યા બાદ પોતાની બેંકમાંથી સ્ટાફ લોન ઓછા વ્યાજે મળતી હોવાથી ગાડી ખરીદી હતી. જ્યારે જ્યારે આ યુવતીને બેંકે થી ઘરે આવતા મોડું થાય તો તેની સાસુ તેને ગમે તેમ કહી અપમાનિત કરતી હતી.

જ્યારે આ યુવતી ની સગાઈ થઈ ત્યારે કામવાળી બહેન રાખવાનું  નક્કી થયું હતું, છતાં સાસરિયાઓએ કામવાળી બહેન રાખી ન હતી અને બીજી તરફ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં આ યુવતીની સાસુ તેને કહેતી હતી કે “તારા બાપાએ કઈ આપ્યું જ નથી અમારે તો મોટા ઘરનું માંગુ આવતું હતું તને તો ભિખારીની જેમ વળાવી દીધી છે” આ પ્રકારના મહેણાં મારી યુવતીની સાસુ તેને ત્રાસ આપતી હતી. થોડા સમય પહેલા જ્યારે આ યુવતીના પતિને વિદેશ જવાનું હતું

ત્યારે ત્રણ વખત તેના વિઝા કેન્સલ થયા હતા. જેથી આ યુવતીની સાસુએ એને જણાવ્યું હતું કે તે તેના પતિને કાગળ ઉપર છૂટાછેડા આપી દે, અમારે એજન્ટ સાથે વાત થઇ છે અને તેનો પતિ પછી અમેરિકા જશે તો ગ્રીનકાર્ડ વાળી છોકરી સાથે લગ્ન કરી સિટિઝન શીપ મેળવી તેને છૂટાછેડા આપી પછી આ યુવતીને લઈ જશે. આ પ્રકારની વાત યુવતીના સાસરિયાઓએ કરતા તે પણ ચોંકી ઉઠી હતી. આટલું જ નહિ તેનો પતિ પણ પત્નીના પગારના તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો અને યુવતીને જરૂર પડે તો તે તેના પતિ પાસે પૈસા માગતી હતી. ત્યારે તેનો પતિ તેની માતાને પૂછીને પછી યોગ્ય લાગે તો પૈસા આપતો હતો. આમ અનેક પ્રકારના ત્રાસ આપતા આ યુવતીએ તેના સાસરિયાઓ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.