ગુજરાત ગેસ સપ્લાયને લઇ સ્પષ્ટતા, 11મીએ ગ્રાહકોને જરૂરિયાત અનુસાર પુરવઠો મળશે
ગાંધીનગર, ગુજરાતમાં 11 જાન્યુઆરીએ ગેસ પાઇપલાઇનમાં સમારકામ કરવાનું હોવાથી એક દિવસ માટે ગેસ પુરવઠો નહીં મળે તેવા સમાચાર સામે આવ્યા હતા. જોકે, હવે ગુજરાત ગેસ લિમિટેડ (GGCL) મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગુજરાત ગેસ કંપનીના 29 કલાક સુધી રાજ્યમાં સમારકામના પગલે ગેસ પુરવઠો બંધ રહેવાના અહેવાલો અંગે GGCL કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ઝોપે આ અહેવાલોને રદિયો આપ્યો છે.
તેમણે જણાવ્યું કે ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલાને પગલે શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપ્રશકારોમાં દેકારો મચી ગયો છે. વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.
દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી 11 જાન્યુઆરીનો રોજ સવાર 5 વાગ્યાથી ગેસ સપ્લાય બંધ રહેશે. જે 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ ખબરથી લાખો વાહનચાલકો, ગૃહિણીઓ ગેસ વિના 29 કલાક કેવી રીતે વિટાવીશું તેને લઈ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. ગુજરાતમાં 21 વર્ષમાં પ્રથમવાર હશે કે ગેસ સપ્લાય બંધ રહેશે તેની સાથે જ ગેસ વપરાશકર્તાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ બિનસત્તાવાર માહિતી વહેતી થઈ હતી.