રેમો ડિસૂઝાએ સ્વસ્થ થયા બાદ વર્કઆઉટ શરૂ કરી દીધું

મુંબઈ: રેમો ડિસૂઝા ફિટનેક ફ્રિક છે. તે નિયમિત વર્કઆઉટ કરે છે. હાર્ટ એટેકમાંથી ઉગર્યા બાદ થોડા દિવસ સુધી તે આરામ પર હતો. જાે કે, હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને નવા ડાયટ સાથે જિમમાં પાછો ફર્યો છે. પોપ્યુલર કોરિયોગ્રાફર અને ફિલ્મમેકરને ડિસેમ્બર ૨૦૨૦માં હાર્ટ એટેક આવ્યો હતો.
જે બાદ તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. ફિટનેસ તરફ બેબી સ્ટેપ ભરતાં તેણે લિફ્ટિંગનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, વાપસી હંમેશા પીછેહઠ કરતાં મજબૂત હોય છે. આજથી જ શરુઆત કરી. ધીમે-ધીમે પરંતુ ચોક્કસથી’. આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેરીને રાખ્યું છે.
રેમો ડિસૂઝાને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા અને તેના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. જ્યારે તે હોસ્પિટલમાં હતો ત્યારે ધર્મેશ યેલાંડે, સલમાન યુસુફ, પુનિત પાઠક, નિધિ મૂની સિંહ સહિતના કેટલાક સેલેબ્સ તેને મળવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રેમોની પત્ની લિઝેલ સતત તેના પડખે રહી હતી. તો સલમાને પણ રેમોની ખૂબ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેમો રેસની ત્રીજી ફ્રેન્ચાઈઝ રેસ ૩ પ્રોડ્યૂસ કરી હતી. જેમાં સલમાન લીડ રોલમાં હતો.
સલમાને કેવી રીતે રેમોને મદદ કરી તે અંગે અગાઉ સૂત્રોએ માહિતી આપી હતી. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, રેમોને હાર્ટ એટેક આવ્યા બાદ લિઝેલે સૌથી પહેલો ફોન સલમાન ખાનને કર્યો હતો. જે બાદ સલમાને રેમોની સારવાર કરી રહેલા ડૉક્ટરોની ટીમ સાથે વ્યક્તિગત સંપર્ક કર્યો હતો.
સલમાને ડૉક્ટરોને કહ્યું હતું કે, કોઈપણ ભોગે તેમણે રેમોને આ સ્થિતિમાંથી બહાર કાઢવો જ પડશે. રેમોની સર્જરી ચાલતી હતી તે દરમિયાન સલમાન ખાને હોસ્પિટલના લાગતાવળગતા લોકો સાથે ટેલિફોનિક સંપર્ક જાળવી રાખ્યો હતો. રેમોને ઘરે લાવ્યા પછી પણ સલમાન સતત લિઝેલ સાથે સંપર્કમાં હતો અને કોરિયોગ્રાફરની તબિયત વિશે અપડેટ લીધી હતી.