૨૬ જાન્યુઆરી ધ્વજ-વંદનના કાર્યક્રમ ખર્ચમાં ગેરરીતિ !

મ્યુનિ.ઓડીટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત બની ગયો છે. નાના-મોટા કોઈપણ કામમાં ગેરરીતી થતી હોવાના આક્ષેપો થતાં રહે છે. પરંતુ ધ્વજ-વંદનના કાર્યક્રમ માટે થયેલા ખર્ચમાં પણ ગેરરીતિ થઈ છે. મ્યુનિ.ઓડીટ અહેવાલમાં આ મુદ્દે ગંભીર નોંધ લેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા બે વર્ષ અગાઉ અસારવા વોર્ડમાં ૨૬ જાન્યુઆરીના દિવસે ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ખર્ચ માટે રજૂ કરવામાં આવેલાં બીલોની તપાસ બાદ સમગ્ર ગેરરીતી બહાર આવી છે. અસારવા વોર્ડમાં ધ્વજ-વંદન માટે પોલ લાવવા તથા પરત લઈ જવા માટે બીલ રજૂ કરવામાં આવ્યા છે. તેવાં પશ્ચિમઝોનથી અસારવા અને નવા પશ્ચિમ ઝોનથી અસારવા એમ બે ઝોનમાંથી પોલ લાવવા-લઈ જવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આમ, એક જ પોલ બે અલગ-અલગ ઝોનમાંથી લાવવામાં આવ્યા હોવાની વિગતનો ઉલ્લેખ બીલમાં થયો છે. તેવી જ રીતે સદર પોલના કામ માટે ઉત્તર ઝોનથી મધ્ય ઝોન અને મધ્ય ઝોનથી ઉત્તર ઝોન સુધી ૬૦ મજૂરોને લાવવા-લઈ જવા માટેનું પેમેન્ટ કરવામાં આવ્યું છે. તદુપરાંત ૨૫ જાન્યુઆરી ૨૦૧૯થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ સુધી મજૂરો પાસેથી શું કામગીરી લેવામાં આવી તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ૬ જાન્યુઆરી, રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના કામમાં પણ થયેલ ગરબડની ગંભીર નોંધ ઓડીટ ખાતા દ્વારા લેવામાં આવી છે. તેવી જ રીતે વાયબ્રન્ટ સમીટ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલા કામોમાં પણ ગેરરીતી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શાહીબાગ વોર્ડના ગિરધરનગર વિસ્તારમાં વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આઈ.પી.રૂટ પર તેમજ જુદા-જુદા રસ્તાઓ પર ફૂટપાથ સેન્ટ્રલ વર્જની કલીંગો તથા સર્કલોને કલર કરવાનું કામ કરવામાં આવ્યું હતું. મ્યુનિ.કોર્પાેરેશનના જવાબદાર વિભાગ દ્વારા આ એક જ કામ માટે ૬ માર્ચ-૨૦૧૯ના રોજ બિલ નં.૨૭૭૧ તથા ૧૩ માર્ચ-૨૦૧૯નું બિલ નં.૨૫૩૫ રજૂ કરવામાં આવ્યાં છે. આ બંને બિલોના એક જ કામ માટે બે વખત પેમેન્ટ કરવામાં આવ્યા હતા. એક જ સ્થળે બે વખત કામગીરી શા માટે કરવામાં આવી ? તેમજ પૂરી કામગીરી શા માટે ના કરી ? તેવા વાંધા પણ અહેવાલમાં લેવામાં આવ્યાં છે.