ચાંગોદરમાં ૪૪.પ૦ લાખની લુંટ બાદ ગણતરીનાં કલાકોમાં છ લુંટારૂ ઝડપાયા

કંપનીનો ચોકીદાર જ મુખ્ય સુત્રધાર નીકળ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં લુંટનો સીલસીલો યથાવત રહેતા શુક્રવારે રાત્રે ચાંગોદરની એક કંપનીમાંથી રૂપિયા ૪૪ લાખ ભરેલો થેલો લઈને જતાં બે વ્યક્તિ ઉપર ચાંગોદર રેલ્વે ક્રોસીંગ નજીક છ લુંટારૂઓએ હુમલો કર્યો હતો અને તેમની પાસેથી રોકડ ભરેલો થેલો ઝુંટવી તમામ લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ સહીતની ટીમો સક્રીય થઈ હતી અને ગણતરીના કલાકોમાં જ તમામ લુંટારૂઓને ઝડપી લઈ રોકડ રકમ પરત મેળવી અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે ચાંગોદર ગામની શ્રીજી રેસીડેન્સીમાં રહેતા સંદીપભાઈ યાદવ (ર૮) તાજપુર પાટીયા પાસે આવેલી મધુ ફ્રેગ્નેન્સ નામની કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે શુક્રવારે સાંજે સાત વાગ્યે મનોજ શર્મા નામના વ્યક્તિ સાથે મજુરોનો પગારની રોકડ ૪૪.પ૦ લાખ રૂપિયા સંદીપભાઈ મોટર સાયકલ પર મનોજભાઈના ઘરે જવા નીકળ્યા હતા તે બંને ચાંગોદર રેલ્વે ક્રોસીંગ પાસે પહોંચ્યા એ સમયે અચાનક જ છ શખ્સો તેમની સામે આવ્યા હતા અને એકે લાકડી લઈને મોટર સાયકલ ચલાવતા સંદીપભાઈના હાથ પર મારતાં સંદીપભાઈ તથા મનોજભાઈ પડી ગયા હતા. આ દરમિયાન બીજા લુંટારૂઓએ મનોજભાઈના માથામાં ડંડો મારી રૂપિયા ભરેલો થેલો ઝુંટવી લીધો હતો. આ દરમિયાન સંદીપભાઈએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતાં એક લુંટારૂએ તેમને છરો બતાવ્યો હતો અને બે મોટરસાયકલ પર તે ભાગી છુટયા હતા. એ વખતે તેમની કંપનીમાં ગાડી ફેરવતા બકાભાઈ પણ આવી પહોચ્યા હતા અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી.
રૂપિયા ૪૪.પ૦ લાખની મોટી રકમની લુંટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ઘટનાને ગંભીરતાથી લઈ ડીવાયએસપી કે.ટી. કામરીયાએ ૧૮ જેટલા પોલીસની ચાર ટીમો બનાવીને તુરંત તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ ટીમો ચાંગોદર પોલીસ સ્ટેશન તથા એક ટીમ એલસીબી ગ્રામ્યની હતી.
પોલીસની ટીમોએ તાત્કાલીક આરોપીઓના મોબાઈલના લોકેશનો મેળવીને ફકત ચાર જ કલાકમાં છ લુંટારૂઓને ઝડપી લીધા હતા જેમાં જીતેન્દ્ર પરમાર (સિંધી કેસર સોસા, મોૈરેયા, આણંદ), હરદેવ પરમાર (સિંધી કેસર સોસા, મોરૈયા, આણંદ), નરેન્દ્ર વાણીયા (સોમનાથ સોસાયટી, મોરૈયા), ભાવેશ બામ્ભા (દાળમીલ રોડ, સુરેન્દ્રનગર), રાકેશ મેર (મઢીવાસ, મોરૈયા) તથા સુરેશ રાઠોડ (રબારીવાસ, મોરૈયા)ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડા ૪૪.પ૦ લાખ, છરો, બે મોટરસાયકલ અને છ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. છ માંથી જીતેન્દ્ર તથા હરદેવ બંને સગા ભાઈઓ હોવાનું તથા જીતેન્દ્ર એ જ કંપનીમાં ચોકીદાર તરીકે કાર્યરત હોઈ તેણે જ લુંટ માટેની ટીપ આપ્યાની વિગતો સુત્રો પાસેથી જાણવા મળી છે.