રાજુલામાં રહેતા વેપારીએ સોમનાથની 100મી પદયાત્રા પૂર્ણ કરી
શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે 100 મી પદયાત્રા પુર્ણ કરી પહોચ્યા- દિપકભાઇ દોશી (ઠેકેદાર) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યુ
અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારધંધા સાથે જોડાયેલ દિપકભાઇ ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોચે છે, આજે તેઓએ 100 મી યાત્રા શ્રાવણના બીજા સોમવારે પુર્ણ કરી હતી આ પ્રસંગે તેઓનુ વિશેષ સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સામૈયા ઢોલ શરણાઇ સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ તેઓનુ સન્માન કરવામાં આવેલ જે પ્રસંગે રાજુલાના ધારાસભ્ય અમરીશભાઇ ડેર, બીપીનભાઇ લહેરી, છેલભાઇ જોષી, શ્રી સોમનાથ ટ્રસ્ટના સુરૂભા જાડેજા, જીતુપુરી ગૌસ્વામી, દિનેશભાઇ મારૂ સહીત સૌ જોડાયા હતા.
તેઓએ જણાવેલ કે 17 વર્ષ પહેલા ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા પુત્ર ધાબા પરથી પડી જતા માથામાં ગંભીર ઇજા થયેલ અને ડોક્ટરે પણ તેમની પરિસ્થતી હાથમાંથી જઇ રહેલ હોય તેવુ કહેલ, દિપકભાઇએ સોમનાથ મહાદેવ પર રહેલી અપાર શ્રદ્ધા સાથે માનતા માનેલ કે સોમનાથ મહાદેવ ની યાત્રા એ પગપાળા જઇશ, મહાદેવની શ્રદ્ધા અને ડોક્ટરની મહેનત સફળ થઇ અને તેમના સંતાન ને મળ્યુ આરોગ્ય.
મહાદેવ પર રહેલ શ્રદ્ધા ને લઇ દિપકભાઇએ પ્રથમ યાત્રા કરી ત્યાર બાદ તેઓને મહાદેવની પ્રેરણા થતા શ્રાવણમાં સોમવારે સોમનાથ પહોચે તે રીતે પદયાત્રાનો ક્રમ શરૂ કરેલ, આજે તેઓએ 100 મી પદયાત્રા પુર્ણ કરી, જ્યારે મહાદેવને પ્રીય રૂદ્રાક્ષ માળા 108 મણકાની હોય છે, ત્યારે હજુ 8 યાત્રા પુર્ણ કરી 108 યાત્રા પદયાત્રા રૂપી માળા મહાદેવને શિવાર્પણ કરવાની લાગણી વ્યક્ત કરેલ. આ વિશેષ પ્રસંગે તેમનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.