ઝઘડિયા જીઆઈડીસીની સીંગાચી ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી
ક્લોઝર નોટિસ ના પગલે કંપનીનુ ઈલેક્ટ્રિસિટી તથા પાણીનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સિંગાચી ઈન્ડસ્ટ્રીઝ કંપનીને જીપીસીબી દ્વારા કલોઝર નોટિસ ફટકારવામાં આવતા કંપનીનુ ઈલેક્ટ્રિસિટી તથા પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૭૬૩-૨ માં આવેલ સિંગાચી ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કેમિકલ ટાઈપની ઈન્ડસ્ટ્રીઝ છે.કંપનીમાં સેલ્યુલોઝનું ઉત્પાદન કરવામાં આવે છે.કંપનીમાં જીપીસીબી દ્વારા ચાલુ સપ્તાહે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
ઈન્સપેકશન દરમિયાન કંપનીમાં જળ પ્રદૂષણનો મુદ્દો સામે આવ્યો હતો.આ બાબતનો રિપોર્ટ સ્થાનિક વિભાગ દ્વારા ગાંધીનગરની કચેરી ખાતે મોકલી આપતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જળ પ્રદૂષણના મુદ્દે ઝઘડિયાની સિંગાચી ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી.કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવવાની સાથે સાથે કંપનીનો ઈલેક્ટ્રિસિટી કનેકશન તથા પાણીના કનેકશન કાપી નાખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઝઘડીયા જીઆઈડીસી માં પ્રદૂષણના ઈસ્યુ વારંવાર ઉભા થાય છે.જીપીસીબી દ્વારા તાત્કાલિક અસરે પ્રદૂષિત પદાર્થોના નમૂના પણ લેવાય છે પરંતુ તે નમુના કેટલાક સંજોગોમાં નમૂના જ રહી જાય છે.જેથી ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો સામે પગલા નહીં ભરાતા હોવાના કારણે તેમને છુટો ડોર મળી રહ્યો છે.