ખાસ ડ્રાઇવ દરમ્યાન દારૂના કુલ ૧,૨૮૮ કેસો તથા ૧,૨૫૩ આરોપીઓ પકડાયા
દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
અમદાવાદ, ગુજરાત સરકાર દારૂની બદીને નેસ્તનાબુદ કરવા કટીબધ્ધ છે અને રાજયમા દેશી તથા વિદેશી દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે ડામી દેવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે તમામ જીલ્લા/શહેરની પોલીસને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા અંગે તા.૨૫/૧૨/૨૦૨૦ થી તા.૦૫/૦૧/૨૦૨૧ સુધીની એક ખાસ ડ્રાઇવ આપવામાં આવેલ હતી.
આ ડ્રાઇવ દરમિયાન સમગ્ર રાજયમાં જુદા જુદા જીલ્લાઓમાં વિદેશી દારૂ અને દેશી દારૂના કેસો કરી ગેરકાયદેસર દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રાઇવ દરમ્યાન વિદેશી દારૂ અંગેની વાત કરીએ તો સમગ્ર ડ્રાઇવ દરમ્યાન રાજયમાં વિદેશી દારૂના કુલ ૧,૨૮૮ કેસો કરવામાં આવેલ છે, જેમાં તથા કુલ ૧,૨૫૩ આરોપીઓ પકડવામાં આવેલ છે.
આ ડ્રાઇવ દરમ્યાન કુલ રૂા.૨,૮૧,૮૮,૪૧૯/- નો વિદેશી દારૂ સહિત કુલ રૂા.૮,૫૯,૩૭,૮૫૩/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેવી જ રીતે દેશી દારૂ અંગેના કુલ ૧૦,૧૫૩ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૭,૦૮૮ આરોપીઓને પકડવામાં આવેલ છે. કુલ રૂા. ૧૦,૧૩,૮૮૩/-ની કિંમતના દેશી દારૂ સહિત કુલ રૂા. ૩૭,૪૮,૯૦૪/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
આમ કુલ મળીને સમગ્ર ડ્રાઇવ દરમ્યાન ૧૧,૪૪૧ કેસો કરવામાં આવેલ છે. આ કેસોમાં કુલ મળીને ૮,૩૪૧ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. કુલ ૨.૯૨ કરોડ રૂ. ની કિંમતનો ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. દારૂની સાથે પકડાયેલ વાહન અને અન્ય મુદ્દામાલની કિંમત ધ્યાને લઇએ તો કુલ ૮.૯૬ કરોડ રૂ. ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.