સોમનાથના ચીખલીમાં મરઘીનાં શંકાસ્પદ મોત
ગીર સોમનાથ: ગુજરાતમાં બર્ડ ફલૂની દહેશત વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ચીખલી ગામે મરઘીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢથી નાયબ નિયામકની ટીમ મોબાઈલ લેબ સાથે ઘટના સ્થળે પહોંચી મૃત અને બીમાર પક્ષીઓના સેમ્પલ લઈ ભોપાલ લેબ ખાતે પરીક્ષણ અર્થે મોકલ્યા છે. ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં ૧૦૦ જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલા એક અઠવાડિયામાં ૧૦૦થી વધુ મરઘા મોતને ભેટ્યાછે.
ફાર્મ હાઉસ માલિકનું કહેવું છે કે અત્યારે ચાર મરઘાઓ જીવન-મોત વચ્ચે જીવી રહ્યાં છે. ફાર્મ હાઉસ માલિક દ્વારા મરઘીઓના મોતને લઈ ખુલાસો કરાયો છે કે ૮૦ જેટલા મરઘાને વન્ય પ્રાણીએ ઇજા પહોંચાડી હતી. જાે કે અન્ય મરઘીઓના ભેદી રોગ કે ખોરાકમાં આવેલા ફેરફારને કારણે મોત થયા હોય તેમ લાગી રહ્યું છે. અચાનક પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.
જિલ્લા પશુપાલન અધિકારી ઉપરાંત જૂનાગઢથી ખાસ નાયબ નિયામક મોબાઈલ લેબોરેટરી સાથે ટીમ લઈ તાબડતોબ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને મૃત તેમજ બીમાર અને તંદુરસ્ત મરઘીઓના બ્લડ સેમ્પલ લઈ વિસ્તૃત પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી. જાે કે નાયબ નિયામક ડો.એસએન વઘાસિયા એ ખુલાસો કર્યો હતો કે હાલના તબક્કે તંદુરસ્ત પક્ષીઓમાં બર્ડ ફલૂના કોઈ લક્ષણ જાેવા મળ્યા નથી. તો બીમારીને કારણે અન્ય મરઘીઓના મોત થયા છે.