ઝઘડીયાના રાજપારડી નજીક ખીચોખીચ પશુઓ ભરીને જતી ચાર ટ્રકો ઝડપાઈ
પોલીસે ૪૫ પશુઓ અને ટ્રકો મળીને કુલ ૨૩૭૮૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો. : દરમ્યાન એક ભેંસનું મોત નીપજતા પી.એમ કરાવાયુ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગર પાસે નેત્રંગ જવાના માર્ગ પર પોલીસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમ્યાન પશુઓ ભરીને જતી ચાર ટ્રકો ઝડપી લીધી હતી.આ અંગે રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ તા.૧૦ મીના રોજ રાજપારડી પીએસઆઈ જે.બી.જાદવ પોલીસ જવાનો સાથે વોચ તપાસમાં હતા.
ત્યારે નેત્રંગ રોડ પર સારસા માતાના મંદિર પાસેના તળાવ નજીક ચાર ટ્રકો તાડપત્રી બાંધેલી શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે આ ચારેવ ટ્રકોને ઉભી રખાવીને અંદર તપાસ કરતા ચારેવ ટ્રકોમાં પશુઓ ખીચોખીચ દોરીથી બાંધેલા જણાયા હતા.આ પશુઓને ખીચોખીચ ભરીને ઘાસચારા કે પાણીની સગવડ વિના લઈ જવાતા જણાયા હતા.
પોલીસે આ ચાર ટ્રકોમાં ભરેલ ભેંસો અને પાડિયા તેમજ ટ્રકો કબજે લીધા હતા.ચાર ટ્રકોમાં ભરીને લઈ જવાતી ભેંસો અને પાડિયા મળીને કુલ ૪૫ પશુઓ જેની કિંમત રૂપિયા ૩૭૮૦૦૦ તેમજ ચાર ટ્રકો જેની કુલ કિંમત રુ.વીસ લાખ મળીને કુલ રૂપિયા ૨૩૭૮૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ પશુઓને મુક્ત કરાવ્યા હતા.પોલીસે ચાર ઈસમો મહેબુબ રસુલ મલેક રહે.ધોબી તળાવ ભરૂચ,હનીફઅલી મારવાડી રહે.નાના નાગોરીવાડ ભરુચ,બાબુભાઈ ચંદુભાઈ તડવી રહે.મકતમપુર ભરૂચ અને યુસુફ મહમદ પટેલ રહે.ભરૂચની અટકાયત કરી હતી.
હાલ કોરોના મહામારી ચાલતી હોવાથી પોલીસે આ ચારેવ ઈસમોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જે નેગેટિવ આવ્યા હતા.વધુમાં મળતી વિગતો અનુસાર રાત્રી દરમિયાન આ પશુઓ પૈકી એક ભેંસનુ મોત થયુ હતુ.પોલીસે મરણ પામેલ ભેંસનું પશુ ડોકટર પાસે પી.એમ.કરાવ્યુ હતું.રાજપારડી પોલીસે ચાર ટ્રકોમાં ખીચોખીચ પશુઓ ભરીને લઈ જતા આ ચાર ઈસમોની અટકાયત કરીને કાયદેસર તપાસ હાથધરી હતી.