વોટસએપમાં લગ્ન વિષયક ગ્રુપ શરૂ કરી રાણા સમાજનો નવતર પ્રયોગ
(પ્રતિનિધિ) અમદાવાદ, વર્તમાન યુગમાં વ્યસ્ત સમયમાં સામાન્ય રીતે પરીવારમાં પોતાના વયસ્ક સંતાનોનું સગપણ ગોઠવવામાં તકલીફ પડતી હોય છે પોતાના સંતાનોને યોગ્ય પાત્ર શોધવામાં સમય અને નાણાંનો પણ વ્યય કરવો પડતો હોય છે ઉપરાંત ગરીબ પરીવારોને નાણાં તથા ઓળખના અભાવે ઘણીવાર બાંધછોડ કરીને સંતાનોના લગ્ન કરાવવા પડતાં હોય છે. આ સ્થિતિમાં દરેકને પોતાની પસંદગી મુજબ પાત્ર સરળતાથી મળી રહે એ માટે રાણા સમાજે એક નવતર પ્રયોગ કર્યો છે અને વોટસએપ પર ‘રાણા સમાજ કન્યાદાન’ નામનું લગ્ન વિષયક ગ્રુપ શરૂ કર્યું છે. આ ગ્રુપમાં સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓ પોતાના ફોટા સહીતના બાયોડેટા અપલોડ કરી શકે છે. સોશીયલ મિડીયામાં સ્થળ મર્યાદીત ન હોવાથી ભારત સહીત વિશ્વના કોઈપણ ખુણે રહેતાં રાણા સમાજના વ્યક્તિને પોતાની પસંદગી માટે બહોળો અવકાશ રહેશે. આ ગ્રુપ શરૂ કરતાં જ તેને સારો પ્રતિભાવ મળ્યો છે જેથી પહેલ કરનાર અગ્રણીઓમાં પણ જુસ્સો વધ્યો છે.