Western Times News

Gujarati News

કાલુપુર કો.ઓ.બેંકના લોકરમાંથી ચોરાયેલા દાગીનાના વળતર રૂપે નાણાં આપવા પડશે

ધી. ગુજરાત કન્ઝયુમર્સ ડીસ્પયુટ રીડ્રેસલ કમીશને આપેલ આદેશઃ લોકરમાંથી ચોરાયેલા દાગીના સામે વળતર આપવાનો ઐતિહાસિક ચુકાદો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : બેકના લોકરમાં મુકેલા મુલ્યવાન દાગીના ચોરાય તો તે માટે બેક જવાબદાર ગણાતી નથી, રીઝર્વ બેક ઓફઈન્ડીયાએ ઘડેલા નિયમોમાં પણ આ સંદર્ભે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં ધી-ગુજરાત કન્ઝયુમર્સ ડીસ્યુટ રીડ્રેસલ કમીશને તેના બેંક-ચુકાદામાં એક કો.ઓપરીટીવ બેકને બેકમાંથી લોકરમાંથી ગુમ થયેલા દાગીનાઓ માટે જવાબદાર ગણી લોકરના માલિકોને કિંમત ચુકવવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

કન્ઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેસલ કમીશને તેના આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે બેકના સત્તાવાળાઓ સલામતીમાં નિષ્ફળ ગયા છે. અને તે માટે ગુમ થયેલા દાગીનાઓની કિંમત ચુકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૦પ ની સાલમાં જુલાઈ ૭મી તારીખે ધી કાળુપુર કો.ઓ.બેકની નારણપુરા શાખામાંથી લોકરમાં મુકવામાં આવેલ દાગીના તથા કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. આ સંદર્ભે અનિલકુમાર તિજારીવાલા હેમંત શાહ, નરેન્દ્ર પટેલે કન્ઝયુમર્સ કોર્ટમાં ફરીયાદ કરી હતી કોર્ટે લોકરમાં મુકેલી રોકડ રકમ માટેનો કલેઈમ મંજુર રાખ્યો હતો.

આપેલ ચુકાદા મુજબ અનિલકુમાર તિજારીવાળા તથા તેમના પરીવારને ૬૦૦ ગ્રામ સોના દાગીનાની સામે રૂ.૩.૩૬ લાખ હેમંત શાહને ર૮૦ ગ્રામ સોનાના દાગીના ની સામે રૂ.૧.૭ર લાખ તથા નરેન્દ્ર પટેલ લોકરમાં મુકેલા પ૧૦ ગ્રામ સોનાના દાગીના સામે રૂ.૩.૧૦ લાખ ચુકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત અમિષાબેન તથા મનીષાબેન પટેલને ૪૧ર ગ્રામ સોનાના દાગીના તથા ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીનાની સામે રૂ.ર.૬૬ લાખ ચુકવવા આદેશ આપ્યો છે.

બેકના અધિકારીઓ તરફથી લાઈ-ડીટેકશન ટેસ્ટ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો, તથા નાર્કો ટેસ્ટ આપવા માટે ઈન્કાર કર્યો હતો તેવી કન્ઝયુમર્સ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટમાં આદેશ મુજબ લોકરો ભાડે રાખનાર ચાર લોકોને વળતર ઉપર ર૦૦પથી ૯ ટકા લેખે વ્યાજ આપવા પણ હુકમ કર્યા છે. જુલાઈથી ૭ મી તારીખે જયારે તિજારીવાળા બેકમાં ગયા અને તેમનું લોકર ખોલતાં જ લોકર ખાલી જણાતા તુરંત જ બેકના સત્તાવાળાઓને જાણ કરવામાં આવી તથા પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી હતી.

ધી કાલુપુર કો.ઓ.બેકની નારણપુરા બ્રાંચનાં લોકરમાંથી ચોરી થયાના સમાચાર વાંચ્યા બાદ તેજ બેકમાં લોકર ધરાવતા અનેક લોકો બેકમાં જઈ લોકરના દાગીનાઓ ચેક કર્યા હતા.  દરમ્યાન અન્ય ૩ લોકરોમાંથી દાગીના ગુમ થયાના સમાચારે ભારે સનસનાટી ફેલાઈ હતી. પોલીસ તરફથી સમરી રીપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો.

કન્ઝયુમર્સ કોર્ટની જે.જી મેકવાન તથા એમ.જે. મહેતાની બેન્ચે બેકની બેદરકારી તથા બેકના બે અધિકારીઓએ લાઈ ડીટેકશન ટેસ્ટ તથા નાર્કો એનાલીસીઝ માટે પોલીસ તપાસ દરમ્યાન ઈન્કાર કર્યાની પણ ગંભીર નોંધ લીધી હતી. બેકના સત્તાવાળાઓ એક સાથે અનેક ગ્રાહકોને લોકર ખોલવાની પરમીશન આપે તો એ ખોટું જ નહી પરંતુ નિયમ વિરૂધ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.