ઈસનપુરમાં આધેડે ગળેફાંસો ખાધો
નારોલમાં યુવાને આત્મહત્યા કરતા સનસનાટી : સાબરમતી નદીમાં ઝંપલાવતા પહેલા યુવકે કરેલા મેસેજની પોલીસે શરૂ કરેલી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ વધવા લાગ્યુ છે શહેરના રિવરફ્રંટ પર પોલીસ અને સિકયુરિટી જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત તરવૈયાઓની ટીમો પણ તૈનાત હોય છે તેમ છતાં શહેરના સાબરમતી રિવરફ્રંટ પરથી એક યુવાને નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી
આ ઉપરાંત ઈસનપુર અને નારોલમાં પણ આત્મહત્યાના બે બનાવો બન્યા છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસતંત્ર સજાગ હોય છે અને સાબરમતી રિવરફ્રંટ સહિતના સ્થળો પર સતત વોચ રાખવામાં આવતી હોય છે કેટલાક કિસ્સાઓમાં અંતિમ પગલુ ભરવા માટે નદીમાં છલાંગ લગાવનારને તરવૈયાઓની ટીમો જીવતા બહાર કાઢતી હોય છે.
આ પરિસ્થિતિ વચ્ચે શહેરના સીટીએમ વિસ્તારમાં સૌજન્ય સોસાયટીની બાજુમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતો જયેશ વાઘેલા નામનો ર૧ વર્ષનો યુવાન છેલ્લા ઘણા સમયથી બીમારીથી કંટાળી ગયો હતો. બીમારીના કારણે તે માનસીક રીતે પણ અસ્વસ્થ બની ગયો હતો.
ગઈકાલે સાંજે પ વાગ્યાના સુમારે બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરવા માટે સાબરમતી રિવરફ્રંટ વોક વે પશ્ચિમના ભાગે ઈવેન્ટ સેન્ટરની પાછળ સીડી નંબર ૪પની સામે પહોચ્યો હતો અને ત્યાંથી તેણે નદીમાં ઝંપલાવ્યુ હતું.
આ ઘટના બાદ તરવૈયાઓની ટીમોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો જાકે મરતા પહેલાં તેણે વોટ્સઅપ કરીને આત્મહત્યાની જાણ કરી હતી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં આત્મહત્યાનો બીજા બનાવ ઈસનપુર વિસ્તારમાં બન્યો હતો ઈસનપુર ઝોનલ ઓફિસની સામે જયકિશન સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ પટેલ ઉ.વ.૪૦ છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે વ્યથિત જણાતા હતાં દરમિયાનમાં ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે જ પ્લાસ્ટિક દોરીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓએ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આત્મહત્યાનું કારણ જાણવા ઈસનપુર પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત શહેરના નારોલ વિસ્તારમાં પણ આત્મહત્યાનો એક બનાવ બન્યો છે. નારોલમાં બળીયાબાપાના મંદિર પાસે સૈજપુર ખાતે રહેતા અરવિંદભાઈ વર્મા નામના યુવકે બે દિવસ પહેલા સાંજના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાધો હતો.
યુવકના મૃતદેહને લટકતો જાઈ પરિવારજનોએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને આ અંગેની જાણ નારોલ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ સ્થળ પર આવી પહોચી હતી અને આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનો તથા પાડોશીઓની પુછપરછ કરવામાં આવી હતી આ ઘટનાની તપાસ નારોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ કરી રહયા છે.