કોંગ્રેસમાં અમદાવાદમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારોની પસંદગી માટે નકકી કરેલા ધારા-ધોરણ પ્રમાણે કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં શહેરના અલગ-અલગ વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે અંદાજે ર૦૦૦ જેટલા દાવેદારોએ દાવો રજૂ કર્યો હતો. તેમાંથી અંદાજે ૧પ૦૦ જેટલા દાવેદારોની યાદી તૈયાર કરાઈ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ તરફથી કવાયત હાથ ધરાઈ છે. જાેકે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ લેશે પ્રદેશ નેતાગીરીને યાદી સોંપાયા પછી તેના પર મંથન કરીને ઉમેદવારો પસંદ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં દાવેદારોએ દાવો કર્યો છે આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે દાવેદારો રજૂઆત માટે પહોંચે તેવી શક્યતાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી જાેકે કોંગ્રેસ નેતાગીરી આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ખૂબજ સાવચેતી રાખી રહયા છે. કોર્પોરેશનની ચૂંટણી પ્રજાકીય પ્રશ્નોને સીધી રીતે સ્પર્શતી હોવાથી પ્રજાની વચ્ચે કામગીરી કરતા દાવેદારો પર પસંદગીનો કળશ ઢોળાશે.