શહેરના વકીલ સાથે ૪.ર૪ લાખની છેતરપીંડી: સાયબર ક્રાઈમમાં ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના એક વકીલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. ઘીકાંટા કોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલને અજાણ્યા શખ્સે બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને ક્રેડીટ કાર્ડનું વેરીફીકેશન કરવાના બહાને તમામ માહીતી મેળવી લીધી હતી તેના એક મહીના બાદ બેંકે રૂપિયા ૪.ર૪ લાખની ઉઘરાણી માટે વકીલને ફોન કરતાં તે ચોંકયા હતા અને પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે રાકેશભાઈ પ્રજાપતિ ઘીકાંટા કોર્ટમાં વકીલ તરીકે પ્રેકટીસ કરે છે તથા થલતેજ, ગુલાબ ટાવર રોડ પર આવેલી સોસાયટીમાં રહે છે માર્ચ ર૦૧૯માં એક શખ્સે એસબીઆઈ ક્રેડીટ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહીને ક્રેડીટકાર્ડનું વેરીફીકેશન કરવાનું છે તેવી વાત કર્યા બાદ રાકેશભાઈનું કાર્ડ નંબર જણાવ્યું હતું બાદમાં જન્મ તારીખ અને સીવીવી નંબર પુછયો હતો જે માહીતી રાકેશભાઈએ તેને આપી દીધી હતી એક મહીના બાદ એસબીઆઈ ક્રેડીટ વિભાગે તેમને ફોન કરીને ૪.પ૯ લાખ લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. રાકેશભાઈએ કાર્ડ ક્યાંય વાપર્યુ ન હોવાથી તે ચોંકી ઉઠયા હતા અને બેંકનો સંપર્ક કરતા તેમના કેવાયસીમાં મોબાઈલ નંબર બદલીને તેમના કાર્ડ દ્વારા દિલ્હીના જ્વેલરી શોપમાંથી ૩ લાખની તથા બેંગ્લોરમાં ફલીપ કાર્ટ પરથી ૧.ર૪ લાખ એમ કુલ ૪.ર૪ લાખની ખરીદી કર્યાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ તેમણે પોતાના બાકી નીકળતાં નાણાં ભર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને ૪.ર૪ લાખની ફરીયાદ નોંધાવી હતી.