Western Times News

Gujarati News

ઉત્તરાયણની માર્ગદર્શિકામાં ગતકડાં જેવા નિયમોથી રોષ

અમદાવાદ: ગત અઠવાડિયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણ ઉજવવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ગતકડાં જેવા નિયમોથી લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે. ગૃહવિભાગની માર્ગદર્શિકાના કેટલાક મુદ્દાની સામે સોશિયલ મીડિયા ઉપર પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ગૃહ વિભાગની ગાઈડલાઈનાં સૌથી હાસ્યાપદ ગતકડું આગાસી કે ધાબા પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજે નહીં વગાડી શકાય તેનું છે.

જેનો હેતું સરકારના એંગલથી ભીડ ભેગી ના થાય તેવો છે, પરંતુ કોઈ વ્યક્તિગત ધાબા પર પણ મ્યુઝિક સિસ્ટમ કેમ વગાડી શકે નહીં અને નિયમાનુસાર ઉજવણી થતી હોય તો પણ મ્યુઝિક કેમ ના વગાડી શકાય તેવું પંતગરસિયાઓ પૂછી રહ્યા છે. ગૃહવિભાગની ગાઈડલાઈમાં જાહેર સ્થળો કે ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવી શકાશે નહીં તેવો ઉલ્લેખ કરેલો છે,

પરંતુ જે ગરીબ વર્ગના લોકો છે અથવા ધાબુ નથી તેવા લોકો પતંગ ક્યાં ચગાવશે તેવો સવાલ સોશિયલ મીડિયા થકી સરકારને પૂછવામાં આવી રહ્યો છે. ધાબા કે અગાસ પર રહશો સિવાય કોઈપણને પ્રવેશ નહીં આપવા માટેનું માર્ગદર્શિકામાં જણાવ્યું છે. પરંતુ ઉત્તરાયણ એક કૌટુમ્બિક તહેવાર છે,

વર્ષોથી કોઈના ઘરે બહેન કે ભાઈના સંતાનો આવી ઉત્તરાયણ ઉજવતા હોય છે તો તે કેવી રીતે અટકાવી શકાશે? અને જાે પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરશે તો તેના માટે જવાબદારી કોની રહેશે? તેવા જવાબ સચિવાલયમાં બેસતા નેતાઓ આપે તેમ લોકોના સંદેશો વહેતા થયા છે.

ઉત્તરાયણની માર્ગદર્શિકામાં કોરોનાને લગત સૂચનાઓનો ભંગ થશે તો સોસાયટી કે ફ્લેટના સેક્રેટરી કે અધિકૃત વ્યક્તિઓ જવાબદાર થશે તેવો ઉલ્લેખ છે. કેટલીક સોસાયટીના સેક્રેટરીઓના કહેવા મુજબ સોસાયટી રજિસ્ટ્રર્ડ હોય એટલે સેક્રેટરી કે ચેરમેન સહિત ઘણા હોદ્દેદારો માનદ સેવા આપતા હોય છે. તેઓ આ કામ માટે મહેનતાણું લેતા નથી. માત્ર મેઈન્ટેનન્સ અને વહીવટ સંભાલવા માટે જ હોય છે. પરંતુ રહીશો ઉપર તેમનું કોઈ કાયદાકીય નિયંત્રણ હોતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.