સ્પામાં દેહવ્યાપાર ચાલતો હતો, ૯ યુવતીઓ મુક્ત કરાવાઈ
સુરત: સુરત શહેરમાં ચાલતા અનેક સ્પામાં સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ફાલ્યો છે. તેવામાં પોલીસ કમિશનર અજય તોમરે આ પ્રકારના સ્પામાં તપાસ કરી અને ગોરખધંધા ઝડપી પાડવાની સૂચના આપી હતી. દરમિયાન આજે શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ૩ સ્પામાં દરોડા પાડી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. એન્ટિ હ્યૂમન ટ્રાફિકીંગ યુનિટના દરોડામાં ૯ યુવતીઓને છોડાવવામાં આવી છે.
પોલીસે ઉમરાના વેસુમાં આવેલા સન આર્કેડમાં ચોથા માળે ચાલતા કોકુન સ્પામાં દરોડા પાડ્યા હતા. જેમાં નોકર શિષ્ઠીઘર મહતો, ઝડપાયા હતા. રાજન પાલ તથા માલિક નિકુંજને વોન્ટેડ જાહેર કર્યા હતા. અહીંયાથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ હતી. આ સ્પાના દરોડામાં મહિલાઓમાં સ્થાનિક અને વિદેશી યુવતીઓનો સમાવેશ પણ થાય છે.
દરમિયાન અન્ય સ્થળ પર વીઆઈપી હાઇટ્સમાં આવેલા પહેલા માળે હારમોની તથા તેરાત્મા નામના સ્પામાં પણ રેઇડ કરવામાં આવી હતી. અહીંયાથી દિપ પ્રકાશ ડે તથા ૧૦ કસ્ટમરને પકડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતમાં અન્ય સ્પામાં પણ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યૂનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં પણ યુવતીઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. હારમોની સ્પાની સંચાલક કાજલ સ્થળ પર હાજર નહોતી તેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. આ સાથે પોલીસે કુલ ૯ મહિલાઓને મુક્ત કરાવી અને ઉમરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. અગાઉ શહેરના રાહુલરાજ મોલમાં એક મોટો દરોડા પડ્ઓ હતો
જેમાંથી ૧૭ જેટલી વિદેશી યુવતીઓ મળી આવી હતી અને તમામને રેસ્ક્યૂ કરી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવી અને ગેરકાયદેસર કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી હતી. આમ સુરતમાં મીની થાઇલેન્ડની જેમ ફૂલેલા ફાલેલા સ્પાના વેપારની આડમાં દેહવેપાર ચાલતો હોવાની ફરિયાદના પગલે પોલીસે આજે દરોડા પાડી ગ્રાહકો, સ્ટાફને પકડી પાડ્યા છે જ્યારે મહિલાઓને રેસ્ક્યૂ કરી છે.