એઈડ્સના દર્દીની સારવાર માટે વાર્ષિક રૂા.૬૦ હજાર સુધીનો ખર્ચ
કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ એઈડ્સ સોસાયટીએ ૩૨૬ પોઝીટીવ દર્દી શોધ્યા: કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્સ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સારવાર
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોનાકાળ દરમ્યાન પણ એચઆઈવી જેવી ગંભીર બિમારીના દર્દીઓની સારવાર અને તપાસ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નેશનલ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટીના નેજા હેઠળ મનપામાં એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. જેમાં શંકાસ્પદ દર્દીઓના લોહી પરીક્ષણ કરવા, પોઝીટીવ દર્દીઓના કાઉન્સીલીંગ કરવા તેમજ તેમની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના તમામ ૭૬ અર્બન હેલ્થ સેન્ટરોમાં એઈડ્સ પરીક્ષણ થાય છે.
શહેરમાં કોરોનાકાળ દરમિયાન એપ્રિલ-૨૦થી ડીસેમ્બર સુધી ૩૦૦ કરતા વધુ એચ.આઈ.વી.પોઝીટીવ દર્દી મળી આવ્યા છે. અમદાવાદ મ્યુનિ.એઈડ્સ કન્ટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.મેહુલભાઈ આચાર્યના જણાવ્યા મુજબ એચ.આઈ.વી.પોઝીટીવ દર્દીઓની તપાસ અને સારવાર માટે નેશનલ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી કાર્યરત છે. દેશમાં એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માત્ર ત્રણ કોર્પાેરેશનની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા એચ.આઈ.વી.ના શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે ચાર ગ્રુપ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સામાન્ય નાગરીક, સગર્ભા માતા, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ બે વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિ.એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા ૨૦૧૯-૨૦ના વર્ષમાં જનરલ ગ્રુપના ૧,૧૨,૯,૭૯ લોકોના લોહી પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦૦૬ એચ.આઈ.વી.પોઝીટીવ મળી આવ્યા હતા. એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા ૯૫ ટકા દર્દીઓને એટીડી સાથે લીંક કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ૨૦૨૦-૨૧માં જનરલ ગ્રુપના ૨૨૩૮૬ શંકાસ્પદોના પરીક્ષણ થયા છે. જેની સામે ૨૯૬ પોઝીટીવ હોવાનું સાબિત થયું છે જે પૈકી ૯૭ ટકા દર્દીઓને સારવાર માટે લીંક કરવામાં આવ્યા છે. ૨૦૧૯-૨૦ના વર્ષ દરમ્યાન ૬૨૭૧૪ સગર્ભા માતાના લોહી પરીક્ષણ થયા હતા.
જેમાં ૬૯ પોઝીટીવ આવ્યા હતા જે પૈકી ૬૧ની સારવાર શરૂ થઈ ગઈ છે. જ્યારે ૨૦૨૦-૨૧માં ૨૬૮૨૦ સગર્ભા માતાના રીપોર્ટ કર્યા હતા. જેમાં ૨૨ પોઝીટીવ મળી આવ્યા હતા. જે પૈકી ૨૧ દર્દીઓની સારવાર શરૂ થઈ ગઈ છે. જ્યારે બે વર્ષની ઓછી ઉંમરના તેમજ બે વર્ષ કરતા વધુ પરંતુ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. નેશનલ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી ૧૦૦ ટકા ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે. જેમાં એઈડ્સના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં પોઝીટીવ દર્દીની સારવાર માટે વાર્ષિક રૂા.૧૮ હજારથી ૨૪ હજાર સુધીનો ખર્ચ થાય છે. જ્યારે બીજા ફેઝના દર્દીઓ માટે વાર્ષિક રૂા.૪૮ હજારથી રૂા.૬૦ હજાર સુધી સારવાર ખર્ચ થાય છે.
નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ દરેક ગર્ભવતી મહિલાઓની એચ.આઈ.વી.તપાસ જરૂરી છે. એચ.આઈ.વી.પોઝીટીવ મહિલાઓની પ્રસુતિમાં માતા-બાળકની જાેડીને નેવીશપીન નામની દવા આપવામાં આવે છે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટરો પર પોઝીટીવ જાહેર થયેલા દર્દીઓને આઈસીટીસી સેન્ટર પર રીફર કરવામાં આવે છે. અમદાવાદ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા ૨૧ આઈસીટીસી સેન્ટર અને એક મોબાઈલવાન ચલાવવામાં આવે છે. જેમાં દર્દીઓના કાઉન્સીલીંગ કરવામાં આવે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.