Western Times News

Gujarati News

ગેરમાન્યતાઓ અને અફવાઓથી દૂર રહીયે, રસી સલામત છે : ડૉ.ધીરજ કાકડીયા

વૈજ્ઞાનિક સંશોધનો અને પરીક્ષણો બાદ તૈયાર થઇ છે રસી, કોવિડ19 રસીકરણ અભિયાન માટે આરોગ્ય વિભાગ સજ્જઃ ડૉ.તાવિયાડ

દરેક દેશવાસી માટે ગૌરવ લેવા જેવી વાત છે કે પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સુત્રને સાર્થક કરતાં આપણા દેશમાં કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી તૈયાર કરવામાં આવી છે. આ રસી સલામત અને રોગ પ્રતિરક્ષક છે. ગેરમાન્યતાઓ અને અફવાઓથી દૂર રહી તેના વિશે સાચી જાણકારી પ્રાપ્ત કરીએ એ આપણા સૌની ફરજ છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના  એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડીયાએ ‘દેશનું મહાઅભિયાન-કોવિડ-19 રસીકરણ અભિયાન’ વિષય પર યોજાયેલ વેબિનારને સંબોધતાં જણાવ્યું હતું. વધુમાં ડૉ. કાકડીયાએ જણાવ્યું કે માત્ર આપણા દેશનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી મોટું રસીકરણ આભિયાન શરૂ થઇ રહ્યું છે.

ત્યારે એ વાત જાણી લઇએ કે અભિયાન શરૂ થતાં તેમાં નવા-નવા પડકારો પણ આવશે. આપણે સૌએ સાથે મળી તેનો સામનો કરી હકારાત્મક અભિગમ સાથે આ અભિયાનને સફળ બનાવવાનું છે. જેમાં મીડિયાની ભૂમિકા પણ ઘણી મહત્વની સાબિત થશે. ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથકી રસીકરણની સાચી માહિતી લોકો સુધી પહોંચવી જરૂરી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ, ફિલ્ડ આઉચરીચ બ્યુરો-જુનાગઢ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ, ભાવનગર દ્વારા કોવિડ-19 રસીકરણ અભિયાન અંગે જાણકારી આપતાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેબિનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડીયા, રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, ભાવનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડ તેમજ ભાવનગર જિલ્લા ગ્રામ્ય આરોગ્ય અધિકારી ડૉ. પી. વી. રેવર વિશેષજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

આગામી 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ કોવિડ-19 રસીકરણ વિશે માહિતી આપતાં ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. તાવિયાડે જણાવ્યું કે રસી આવી પહોંચી છે તેમજ રસીકરણની કામગીરી માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. પ્રથમ તબક્કામાં નક્કી કરેલા સમુદાયને રસી આપવામાં આવશે.

ત્યારબાદ ક્રમશઃ નોંધણી કરાયેલા તમામ નાગરિકોને રસી આપવામાં આવશે. સરકાર પાસે રસીનો જથ્થો પૂરતો છે. અને આ રસી વૈજ્ઞાનિક સંશોધનો અને પરીક્ષણો બાદ તૈયાર થઇ છે. નિયમ મુજબના તમામ માપદંડોમાંથી પસાર થયા બાદ આ રસી આપવામાં આવી રહી છે. માટે આ રસીકરણ અભિયાનને લઇને કોઇએ શંકા-કુશંકા કરવાની જરૂર નથી.

ભાવનગર જિલ્લા આર.સી.એચ.ઓ. ડૉ. રેવરે સરકારના અત્યાર સુધી ચાલી રહેલા વિવિધ રસીકરણ અભિયાનની સફળતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે આપણા ભારત દેશને વિશ્વના સૌથી મોટા રોગ પ્રતિરક્ષા કાર્યક્રમનું સફળ સંચાલન કરવાનો અનુભવ છે.

જેમ અત્યાર સુધી વિવિધ જીવલેણ રોગો સામે રસીકરણથી આપણે રક્ષણ મેળવવામાં સફળ રહ્યાં છીએ તે જ પ્રકારે આ અભિયાન પણ સફળ રહેશે અને આવનાર દિવસોમાં આપણે કોવિડ-19થી પણ રક્ષણ મેળવવામાં સફળ રહીશું. રસીકરણ અભિયાન અંગે વિસ્તૃત જાણકારી આપતા તેમણે જણાવ્યું કે 4 વેક્સીનેશન અધિકારી અને એક વેક્સીનેટર અધિકારી દ્વારા કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરી સંપૂર્ણ સલામતી સાથે મોટી સુવિધાસભર જગ્યામાં રસીકરણ કરવામાં આવશે.

જ્યાં વેઇટીંગ રૂમ, વેક્સીનેશન રૂમ અને ઓબ્જર્વેશન રૂમ તૈયાર કરાયા છે એવી પ્રત્યેક સાઇટ પર 100 જેટલા લાભાર્થીને રસી આપવામાં આવશે. 0.5 એમએલનો એક ડોઝ આપ્યા બાદ 14 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. બંને ડોઝ લેવા જરૂરી રહેશે. અને આ દરમિયાન નિયમિત રીતે વારંવાર સાબુથી હાથ ધોવા, બે ગજનું અંતર જાળવવું અને માસ્ક પહેરવું એ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

રસીકરણ વિશેની સાચી જાણકારી, જરૂરી માહિતી અને માર્ગદર્શન લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ઘણી અસરકારક રહેશે તેમ કહેતાં રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં પણ રસીકરણ વિશે ખોટી વાતો ન ફેલાવવી જોઈએ.

સમાજમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું કરવું એ આપણા સૌની ફરજ બની રહેશે. વેબિનારનું સંચાલન કરતાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ સરકારના સમયસૂચકતા સાથેના સઘન પ્રયાસો, આરોગ્ય વિભાગની સજ્જતા અને લોકોની સજાગતાથી કોવિડ-19 રસીકરણ અભિયાન સો ટકા સફળ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.