લાંભા વોર્ડમાં બળવાખોરોને ટિકિટ ન આપવા કોંગ્રેસમાં રજૂઆત
ભૂતકાળમાં પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનારને પ્રોત્સાહન ન આપવા પ્રદેશ હોદ્દેદારો સમક્ષ લેખિત રજૂઆત થઈ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન ચૂંટણીની એકાદ સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ દાવેદારોના બાયોડેટા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ ભૂતકાળમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર કે સ્કાયલેબ દાવેદારોનો બંને પાર્ટીમાં વિરોધ થઈ રહ્યો છે. શહેરના છેવાડે આવેલા લાંભા વોર્ડમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લાંભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારના બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યા આવ્યા છે જેનો સ્થાનિક કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
મ્યુનિ.કોર્પાેરેશનની હદમાં ૨૦૦૭માં સમાવિષ્ટ થયેલા લાંભા વોર્ડમાં ૨૦૧૦ અને ૨૦૧૫ની ચૂંટણી બાદ પણ કોઈ એક પાર્ટીનું વર્ચસ્વ રહ્યું નથી. જેના કારણે વિકાસ નકશામાંથી આ વોર્ડની બાદબાકી કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિ જાેવા મળી છે. જ્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પાસે સ્થાનિક કક્ષાએ મજબૂત કહી શકાય તેવા ઉમેદવારોની અછત છે. ૨૦૧૦ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે ત્રણ બેઠકો આવી હતી જ્યારે એક બેઠક પર અપક્ષ કાળુભાઈની જીત થઈ હતી. તે સમયે કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવાના કારણે કાળુભાઈ ભરવાડે અપક્ષ દાવેદારી કરી હતી તથા જીત હાંસલ કરી હતી.
૨૦૧૫માં કોંગ્રેસે સીટીંગ મહિલા કોર્પાેરેટરની ટિકિટ કાપી હતી જેના માઠા પરીણામ જાેવા મળ્યા હતા. અપક્ષ કોર્પાેરેટર કાળુભાઈ અને કોંગ્રેસના સીટીંગ મહિલા કોર્પાેરેટર ખુલ્લેઆમ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો હતો જેના કારણે ભાજપને ત્રણ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી હતી. ભાજપાએ ૨૦૧૦માં ખાતુ ખોલાવ્યું ન હોવાથી લાંભામાં વિકાસ “શૂન્ય” બરાબર રહ્યો હતો. ૨૦૧૫માં ત્રણ બેઠકો મળ્યા બાદ પણ લાંભા પૂર્વના વિસ્તારમાં જ વિકાસલક્ષી કામો થયા છે. જેનો તમામ યશ સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળે છે.
ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક કોર્પાેરેટરોને ચહેરાથી ઓળખતા મતદારોની ટકાવારી આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. નવા સીમાંકન બાદ ગૃહ રાજ્યમંત્રીના વિસ્તારનો વટવામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે કોંગ્રેસની પરિસ્થિતિ મજબૂત બની છે. પરંતુ વધુ એક વખત એ.સી.ચેમ્બરમાં બેસીને નિર્ણય લેતા નેતાઓના કારણે ભાજપ માટે માર્ગ મોકળો અને તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક કોંગી કાર્યકરોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. લાંભા કોંગ્રેસના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૦માં કોંગ્રેસની પેનલ જીતી શકે તેવા ઉજળા સંજાેગો હતા પરંતુ તે શક્ય બન્યું ન હતું. જ્યારે ૨૦૧૫માં કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી હતી. તેમ છતાં પ્રદેશ હોદ્દેદારો વાસવિકતા સમજી શક્યા નથી તે દુઃખદ બાબત છે.
૨૦૧૫ની ચૂંટણી બાદ સ્થાનિક કોંગી નેતાઓએ તનતોડ મહેનત કરી છે. તથા ઘરે-ઘરે ફરીને નવા કાર્યકરો પણ તૈયાર કર્યા છે. સ્થાનિક નાગરીકોની ફરીયાદો અને અને સમસ્યાના ઉકેલ માટે અનેક વખત મ્યુનિ.કોર્પાેરેશનના જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો સામે બાથ પણ ભીડી છે. નવા સીમાંકન બાદ ફરી એક વખત તમામ બેઠકો જીતી શકાય તેવી શક્યતા જાેવા મળે છે. પરંતુ પ્રદેશ હોદ્દેદારો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર તથા બળવો કરનાર લોકોના બાયોડેટા લેવામાં આવી રહ્યા છે તેમજ તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ચૂંટણીમાં બળવાખોરોને ટિકિટ આપવામાં આવશે તો કાર્યકરોના મનોબળ પર વિપરીત અસર થશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.