Western Times News

Gujarati News

જામનગરમાં દરરોજ 50,000 બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાય તેવું રસોડું

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા વિશાળ મધ્યાહન ભોજન રસોઇઘરનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે ઉદ્દઘાટન -ગુજરાત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ આ વિશાળ રસોઇઘરનું   સંચાલન અક્ષય પાત્ર ફાઉન્ડેશન કરશે

જામનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યો હાથ ધરતી સહયોગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું છે.

રાજ્ય સરકારની મધ્યાહ્ન ભોજન યોજના બિન-સરકારી સંસ્થા (NGO) અક્ષય પાત્ર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ રસોઇઘરનું સંચાલન પણ આ સંસ્થા દ્વારા જ થશે. આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ઇમારતનું ઉદ્દ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટીર ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર અને દેવભૂમિ-દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શ્રી સતિષ પટેલ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના શ્રી જગમોહન કૃષ્ણદાસાનો સમાવેશ થાય છે.

મધ્યાહ્ન ભોજન તૈયાર કરવા માટેના આ વિશાળ રસોઇઘરમાં દરરોજ 50,000 બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાય છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રસોઇઘરની ઇમારતના નિર્માણ, રસોઇમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો અને સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવા માટે

જરૂરી વાહનો ખરીદવા માટે કુલ રૂ. 8.5 કરોડની ફાળવણી કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિફાઇનરી કોમ્પલેક્સની આસપાસ આવેલા જામનગર અને લાલપુર તાલુકાના ગામોની શાળાઓને સહાય કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ રૂ. એક કરોડ પણ આપશે.

કુલ 4800 ચોરસ મીટરના પ્લોટમાં નિર્માણ કરવામાં આવેલા આ ભવનનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 2965 ચોરસ મીટર છે. આ ઇમારતમાં નિર્માણ કરવામાં આવેલી સુવિધાઓમાં રીસેપ્શન એરિયા, ડ્રાય અને વેટ કિચન એરિયા, પ્રિ-પ્રોસેસિંગ એરિયા, પ્રોવિઝન સ્ટોર, સ્ટોર રૂમ, ગોડાઉન, ચેન્જિંગ રૂમ, બોઇલર રૂમ, ફર્સ્ટ-એઇડ રૂમ, ડોરમેટરી, મલ્ટીપર્પઝ હોલ, ગેસ્ટરૂમ, એડમિનિસ્ટ્રેશન બ્લોક વગેરેનો સમાવેશ થાય છે.

આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, “આ વિશાળ રસોઇઘરની સુવિધાનું ઉદ્દઘાટન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જામનગર સુધી આવ્યા એ આપણા બધા માટે ગૌરવની વાત છે.

આપણા સમાજના હાંસિયામાં ધકેલાયેલા અને નબળા વર્ગના લોકોની જિંદગીની ગુણવત્તા બહેતર બનાવવા માટે રિલાયન્સ હંમેશા સમર્પિત છે. બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ ભોજન પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાળકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનને મદદ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.