કુમકુમ મંદિર દ્વારા પતંગોના શ્રી સ્વામિનારાયણ ભગવાનને શણગાર સજવામાં આવ્યા
પતંગોત્સવની ઉજવણી માસ્ક પહેરીને કરવી જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીની નિશ્રામાં રંગબેરંગી પતંગોથી સુશોભિત કરેલા સિંહાસનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિરાજમાન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની પારાયણ કરવામાં આવી હતી. ત્યારબાદ સભા યોજાઇ હતી જેની અંદર કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે 14 જાન્યુઆરી ના દિવસે આપણે દર વર્ષે પતંગ ઉત્સવ ઉજવીએ છીએ આ વર્ષે પણ આપણે પતંગ ચગાવવા જોઈએ,
પરંતુ આપણા સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે તેવી રીતે પતંગ ચગાવવા જોઈએ અને તેની ઉજવણી કરવી જોઈએ પતંગ ચગાવીએ ત્યારે અવશ્ય માસ્ક પહેરવું જોઈએ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ
જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને કોરોના વાયરસનો આપણને ચેપ ન લાગે અને બીજાને કોઈને પણ કોરોના વાયરસનો ચેપ ન લાગે કોરોના વાયરસથી આપણે સાવધાન રહીએ અને સાવચેતી રાખીએ એમાં જ આપણા સૌ કોઇનું હિત રહેલું છે.
ઉત્તરાયણ તો દર વર્ષે આવશે અને આપણે તેની પતંગ ચગાવીને ઉજવણી પણ કરી શકીશું પરંતુ હાલ સાવધાની અવશ્ય રાખવી જોઈએ પતંગોત્સવની મજા સજા ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખવાણી જે વચનામૃત ગ્રંથ તેના વડતાલ પ્રકરણના ચોથા વચનામૃતમાં પતંગને ભગવાનની મૂર્તિની ઉપમા આપીને સમજાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસ-પાસ ચગાવીએ છીએ
તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઈએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાતિ કોઈ છે જ નહી. અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે. જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદગુણોરૂપી રંગોથી દીપી ઊઠશે.
આ પ્રસંગે કુમકુમ મંદિર ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, હે ભગવાન તમે એવું કરી દો કે કોરોના વાયરસ નો કોઈ ને ચેપ જ ન લાગે. વહેલી તકે કોરોના વાયરસ નાબૂદ થઈ જાય.જેથી સૌ કોઈ શાંતિથી જીવી શકે. સૌનુ સ્વાસ્થ્ય સારું રહે અને સૌ કોઈ સુખપૂર્વક તમારું ધ્યાન ભજન કીર્તન કરી શકે. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ