મિલકતની લે-વેચ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત
રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરી કર્યો છે. જે મુજબ ૨૮ જેટલી સોસાયટી-વિસ્તારને સમાવતું નોટીફીકેશન બહાર પાડતા ચકચાર જાગી છે.
રાજકોટ: ગુજરાત રાજ્ય સરકારના ગૃહખાતાએ મકર સંક્રાંતિના આગલા દિવસે સૌરાષ્ટ્રના પાટનગર મનાતા અને મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરી કર્યો છે. જે મુજબ ૨૮ જેટલી સોસાયટી-વિસ્તારને સમાવતું નોટીફીકેશન બહાર પાડતા ચકચાર જાગી છે.
આ વિસ્તારમાં મિલકતના ખરીદ-વેચાણ કરતા પૂર્વે જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની રહેશે તેવું જાહેર કરેલ નોટીફીકેશનમાં જણાવ્યું છે.
આ ૨૮ વિસ્તારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ૨માં આવેલા ભાગમાં છે. અશાંત ધારાનો કાયદો આ વિસ્તારમાં ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી લાગુ રહેશે. આ પહેલીવાર છે જ્યારે રાજકોટ શહેરમાં આ પ્રકારના કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગના ૧૩ જાન્યુઆરીના નોટિફિકેશન મુજબ, ગુજરાત સરકારનો અભિપ્રાય છે કે ટોળાની હિંસાના રમખાણોને કારણે ઉક્ત વિસ્તારોમાં જાહેર વ્યવસ્થા નોંધપાત્ર સમય માટે ખોરવાઈ ગઈ હતી.
આ જાહેરનામા મુજબ, અશાંત ધારો લાગુ થયા બાદ આ વિસ્તારની જમીન કે અન્ય સંપતિઓના માલિક પોતાની સંપતિ વેચતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવાના હેતુથી અશાંત ધારો કાયદો લાવવામાં આવ્યો હતો.
જે અંતર્ગત અશાંત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં જિલ્લા અધિકારીની મંજૂરી વિના કોઈપણ એક ધર્મના સભ્યો દ્વારા અન્ય ધર્મના સભ્યોને સંપતિ વેચવા પર રોક લગાવવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ, જિલ્લા તંત્ર દ્વારા લોકો અને પોલીસના મત દ્વારા આ પ્રકારનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં આ કાયદો લાગુ કરવામાં આવેલો છે તે પોશ વિસ્તાર છે અને બીજેપી તથા આરએસએસનો ગઢ ગણાય છે.