મોબાઈલ બાબતે બોલાચાલીમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી
ડીસા: બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલ માંથી બે દિવસ અગાઉ કોથળામાં ભરેલી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની હત્યા કરી તેના પગ બાંધી લાશને કોથળામાં ભરીને કેનાલમાં ફેંકી દીધી હતી. આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.
દિયોદર તાલુકાના મેસરા-ગોદા ગામની નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી કોહવાયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. મૃતક મહિલા ડુંગરસણ ગામની પરણિતા પૂજા ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું.
જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. મહિલાની કોથળામાં ભરેલી લાશ મળતાં પોલીસે ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં કાંકરેજના તેરવાડા ગામના મહેન્દ્રજી ઠાકોર પર શંકા ગઈ હતી.
તેની પોલીસે અટકાયત કરી આકરી પૂછપરછ કરતા મૃતક પૂજા ઠાકોર અને આરોપી મહેન્દ્રજી ઠાકોર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું અને માત્ર મોબાઈલ બાબતે બોલાચાલી થતા પ્રેમીએ જ તેની પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
આરોપી મહેન્દ્રજી ઠાકોરે ડુંગરસણથી પૂજા ઠાકોરને મળવા માટે થરા બોલાવી હતી અને ત્યાંથી બને જણા બાઇક પર ઓગડજીની થળીમાં આવ્યા હતા.
જેમાં બંને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી તેના પ્રેમી મહેન્દ્રજી ઠાકોર પાસે વાત કરવા મોબાઈલની માગણી કરી હતી. જેમાં વાતચીત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પ્રેમી એકદમ ઉશ્કેરાઈ જઇ પૂજા ઠાકોરને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને લાશને ત્યાં મૂકી પરત તેરવાડા આવી ગયો હતો અને તેના કાકાના દીકરા જેણાજી ઠાકોરને ફોન કરી બોલાવી પૂજા ઠાકોરની હત્યા કરી હોવાનું કહી પોલીસથી બચવા માટે લાશને કેનાલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપી મહેન્દ્રજી ઠાકોર અને તેના કાકાનો દીકરો જેણાજી ઠાકોર બંને જણ મોડી રાત્રે ઓગડજીની થળીમાં જઇ મૃતક પૂજા ઠાકોરની લાશને એક કોથળામાં ભરી હતી અને અંદર પથરો ભરી વાયરથી વેટી આરોપીએ પૂજા ઠાકોરની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ હત્યા કેસમાં પોલીસે બંને આરોપીની અટકાયત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.