હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર: બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ
વડોદરા, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને ગુજરાતી એવા વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું અવસાન થયું છે. તેમને હૃદય રોગનો હુમલો થયો હતો. પિતાના નિધન બાદ બંને દિકરા તાત્કાલિક વડોદરા પહોંચ્યા હતા. જે બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અહીં પરિવારના સભ્યો અને સંબંધીઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન બંને ક્રિકેટર દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને કાંધ આપી હતી. તથા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નજીકની વાડીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પિતાના નિધનના સમાચાર મળતાની સાથે જ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમી રહેલ કૃણાલ પંડ્યા ટુર્નામેન્ટ અધૂરી મૂકી મુંબઈ ઘરે પરત ફર્યો છે. ટુર્નામેન્ટમાં કૃણાલ વડોદરાની ટીમનો સુકાની છે. તેના સ્થાને કેદાર દેવધરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જયારે, હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા ખાતે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ ન હોવાથી તે હાલ વેકેશન પર રજાઓ ગાળી રહ્યો છે.