કેડીલાના ધોળકા સંકુલમાં વન વિભાગ અને કેડીલા ફાર્માસ્યુટિકલ્સે 70મા વન મહોત્સવ યોજ્યો
વૃક્ષારોપણ મારફતે જલવાયુ પરિવર્તન સામે લડત
અમદાવાદ, સોમવારે કેડીલા ફાર્માસ્યુટિકલ્સ અને ગુજરાતના વન વિભાગે સાથે મળીને કેડીલાની ધોળકા ફેક્ટરી ખાતે 70મા વન મહોત્સવનું આયોજન કર્યું હતું. સંકુલમાં આ પ્રસંગે હાજર રહેલા 300 થી વધુ મહેમાનોની હાજરીમાં 1000 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કેડીલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી પણ હાજર હતા.
શ્રી ચૂડાસમાએ પોતાના પ્રવચનમાં દેશને હરિયાળો રાખવા માટે નાગરિકોને વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “વૃક્ષારોપણ એ માત્ર સરકારના વન વિભાગ અને કેડીલા ફાર્માસ્યુટિકલ્સ જેવી કંપનીઓની જ ફરજ નથી, પણ દરેક નાગરિકે દેશને હરિયાળો બનાવવા માટે શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવાની જરૂર છે.”
ધોળકા નગરપાલિકાના વડા શ્રી ભરતભાઈ પટેલ, અમદાવાદ જીલ્લા પંચાયતના સભ્ય શ્રી કિરીટસિંઘ ડાભી, ધોળકા પંચાયતના સભ્ય શ્રીમતિ દિવ્યાબા સિસોદિયા, ધોળકાના આરએફઓ ડી એચ જાની, ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ અને ડીએફઓ પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા. નજીકના ગામોના ઘણાં બધા લોકો આ સમારંભમાં સામેલ થયા હતા. આ સમારંભનું આયોજન કરીને કેડીલા ફાર્માના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા બજાવી હતી.
ત્રાસદ હાઈસ્કૂલની કન્યાઓએ ગણેશ વંદના રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે પણ નૃત્ય અને યોગ દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ સમારંભ પૂરો થયા પછી હાજર રહેલા મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
ભારતને ક્લિન અને ગ્રીન બનાવવાના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવા કેડીલા ફાર્માએ વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે દેશભરમાં આવેલા પોતાના સંકુલોમાં 1 લાખથી વધુ વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વાવેલા વૃક્ષોની સંખ્યા સપ્ટેમ્બરના અંત સુધીમાં 50 હજારના આંકડાને સ્પર્શી જાય તેવી સંભાવના છે.
માનવજાત હાલમાં જલવાયુ પરિવર્તનની સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભારત સરકારે યુએનસીસીડીને સુપરત કરેલા જમીનો રણમાં ફેરવાવા અંગે, જમીનોનું ખરાબોમાં રૂપાંતર થવા અંગે તથા દુષ્કાળની સંભાવના અંગેના 5મા રાષ્ટ્રીય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશનો 68 ટકા હિસ્સો દુષ્કાળની સંભાવના ધરાવે છે અને જલવાયુ પરિવર્તનને પરિણામે આમાં વધુ વધારો થવાની સંભાવના છે, કારણ કે જલવાયુ પરિવર્તનને કારણે ખાસ કરીને સૂકા પ્રદેશોમાં પરિસ્થિતિ કથળે છે. જમીન રણમાં ફેરવાવાના કારણે તથા વરસાદથી તથા ઘસારાના કારણે તેનું ઉપલું આવરણ નાશ પામે છે. આ સ્થિતિ દેશના 11 ટકા જેટલો હિસ્સો રણમાં ફેરવાવા માટે કારણભૂત છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આવી સ્થિતિ હલ કરવા માટેનો અસરકારક ઉપાય વૃક્ષો વાવવાનો છે. તાજેતરમાં એક સંશોધનમાં ઈકોલોજીસ્ટ થોમસ ક્રાઉથરે જણાવ્યું હતું કે દુનિયામાં 1.2 ટ્રિલિયન વૃક્ષો વાવવાથી અંગારવાયુ છૂટવાની પરિસ્થિતિને સમધારણ બનાવી શકાશે અને જલવાયુ પરિવર્તનનો સામનો કરી શકાશે.