Western Times News

Gujarati News

અભિનેત્રી શિલ્પાએ ઘરમાં હાઈડ્રોપોનિક ફાર્મ બનાવ્યું

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સભાન છે. હેલ્ધી ડાયટથી માંડીને યોગ સુધી શિલ્પા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બધું જ કરે છે. ૪૫ વર્ષની શિલ્પા શેટ્ટી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના કિચન ગાર્ડનનો નજારો બતાવતી રહે છે. શિલ્પાએ ઘરે જ લીંબુ, રીંગણ, મરચાં વગેરે ઉગાડ્યા છે અને તેના વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરતી રહે છે.

ત્યારે આવો જ એક વિડીયો એક્ટ્રેસ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે જમીન વિનાની ખેતી અથવા જળકૃષિ (હાઈડ્રોપોનિક ફાર્મ) વિશે વાત કરતી જાેવા મળે છે. શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, ખેતીના આ પદ્ધતિ દ્વારા તેણે પોતાના સલાડ માટે માત્ર ૨૫ દિવસમાં શાકભાજી ઉગાડ્યું છે. આ ખેતી હવે શિલ્પા શેટ્ટીનો શોખ બની ગઈ છે. હાઈડ્રોપોનિક ફાર્મનો વિડીયો શેર કરતાં શિલ્પા શેટ્ટીએ લખ્યું, કહેવાય છે કે, તમે જે ખાવ છો તેવા છો.

જ્યારે મને મારો ખોરાક વધુ શુદ્ધ બનાવવાની તક મળી ત્યારે મેં ઝડપી લીધી. હવે અમારા બેકયાર્ડમાં મારું પોતાનું હાઈડ્રોપોનિક ફાર્મ છે. અમે ૨૫ દિવસમાં અમારું પોતાનું સલાડ ઉગાડવામાં સફળ રહ્યા છીએ. હાઈડ્રોપોનિક ખેતીનો અર્થ સમજાવતાં શિલ્પાએ લખ્યું, જે લોકો હાઈડ્રોપોનિક ખેતી વિશે નથી જાણતા આ તેમના માટે છેઃ જમીન વિનાની ખેતીને હાઈડ્રોપોનિક્સ કહેવાય છે. પરંપરાગત ખેતીની જેમ આમાં જમીન નથી હોતી, તેના વિના જ હેલ્ધી છોડ ઉછેરવામાં આવે છે અને આ માટે ખનીજયુક્ત વોટર સોલ્યુશનનો ઉપયોગ થાય છે.

છોડને ઉગવા માટે અમુક પોષકતત્વો, થોડું પાણી અને સૂર્યપ્રકાશ જાેઈએ છે. એક્ટ્રેસે એમ પણ જણાવ્યું કે, તેના સલાડ માટેના શાકભાજી તે આ ફાર્મમાં જ ઉગાડે છે. શિલ્પાએ કહ્યું, અને આ જ રીતે ફુદીનો, લેટ્યૂસ, કાલે, બેસિલ અને બીજા ઘણાં બધાં લીલા શાકભાજી તૈયાર થાય છે. તમારું પેશન સાકાર થતું જાેવું એ અદ્ભૂત છે.

શિલ્પા શેટ્ટીએ વિડીયોમાં એમ પણ જણાવ્યું કે, તેને પોતાના છોડ સાથે વાતો કરવી ખૂબ ગમે છે અને ક્યારેક તેમને કિસ પણ કરે છે. સાથે જ શિલ્પાએ પોતાના ફોલોઅર્સને હાઈડ્રોપોનિક ફાર્મિંગ કરીને શાક ઉગાડવાની સલાહ પણ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.