Western Times News

Gujarati News

ઠંડી વચ્ચે તરછોડાયેલું ભ્રૂણ મળ્યુ, પોલીસ ઘટનાસ્થળે

Files Photo

અમદાવાદઃ આપણા સમાજમાં માતાને એક વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા, ગોળ વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર માતૃ પ્રેમ માટે આવી અનેક કહેવતો છે. પરંતુ માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય એવી વધુ એક ઘટના અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સામે આવી છે. જ્યાં કડકડતી ઠંડીમાં ત્યજી દીધેલ ભ્રૂણ મળી આવ્યું છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ ટીઆર અકબરી ચાંદલોડિયા પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે.

તેઓ તેમના ચોકી વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે તેઓને મેસેજ મળ્યો કે ગોપાલ પાર્ક સર્કલથી વડવાળા તરફ જતા એક ઇલેક્ટ્રિક પોલ પાસે ભ્રૂણ મળી આવ્યું છે. જે બાદમાં તેઓ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. અહીં મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું હતું. બાદમાં ભ્રૂણ પરથી લાગ્યું કે તે ચાર પાંચ માસનું હોઈ શકે છે.

પોલીસે તાત્કાલિક ભ્રૂણના અવશેષ સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા જેનાથી તેનું પોસ્ટ મોર્ટમ કરાવી શકાય. પોલીસે અઠવાડિયા માટે આ ભ્રૂણને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી તપાસ શરૂ કરી છે. સોલા પોલીસે આ સમગ્ર મામલે હાલમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જુલાઈ મહિના આસપાસ એક જ અઠવાડિયામાં મણીનગર આવકાર હોલ, ઓઢવ અને અમરાઈવાડી એમ ત્રણ ભ્રૂણ મળી આવ્યા હતા. ત્યારબાદ ગોમતીપુરમાંથી પણ ભ્રૂણ મળી આવ્યું હતું. આ વાતની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી હતી તપાસ કરતા મણિનગરના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. આ કેસમાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.