Western Times News

Gujarati News

એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબનું સ્વપ્ન વડાપ્રધાનએ પૂર્ણ કર્યું છે : ચૈતન્ય શંભુ મહારાજ

એક ભારત-શ્રેષ્ઠ ભારતની થીમની સાથોસાથ હવે સર્વશ્રેષ્ઠ ભારત માટે સહુએ સંકલ્પબધ્ધ થઇને ભારતને વધુ વિકાસના પંથે લઇ જઇએ   -પ્રવાસી ઉવાચ

દાદર-કેવડીયા એક્ષપ્રેસ ટ્રેનના પ્રવાસી પ્રશાંતભાઇ ગાંધી કહે છે કે, કોઇપણ પ્રકારની મુશ્કેલી વિના સરળતાથી તમામ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ શકશે

રાજપીપલા: ગઇકાલે અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસમાં  બેસીને આવેલા અમદાવાદ ભાગવત સોલા વિદ્યાપીઠના શ્રી લાભશંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેવડીયા ખાતે એકતાની મિશાલ સમાન સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સ્થાપીને દેશનું નામ રોશન કર્યું છે. તેમજ નવી પેઢીને સરદાર સાહેબે કરેલા કામોની રૂપરેખા પણ મળી રહેશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે. તમામ પ્રવાસીઓને એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. આ રેલ સેવા પુરી પાડવા બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું.

અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ રેલમાં આવેલા કાલુપુર સ્વામીનારાયણ મંદીરના સંતશ્રી નિર્મલ શાસ્ત્રીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જેના હ્રદયમાં રાષ્ટ્રીય ભાવના અને ગુજરાતનું ગૌરવ અને ગર્વ એવા સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના નિર્માણનું પુન:જાગરણ કર્યું હતું

તેવી જ રીતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરીને ગુજરાતનું અને ભારતનું ગૌરવ વધાર્યું હોવાથી વડાપ્રધાનશ્રીનો આભાર તેમણે  વ્યકત કર્યો હતો.

ગાંધીનગરના ગૌ-સેવા આયોગના પૂર્વ ચેરમેનશ્રી ચૈતન્ય શંભુ મહારાજે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદ-કેવડીયા જન-શતાબ્દીનું ઉદઘાટન વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યું ઓફ  યુનિટી કેવડીયા માટે કર્યું છે.  આજે દેશના અન્ય ૮ સ્થળોએથી ટ્રેનના માધ્યમોથી પ્રવાસીઓ માટે આ રેલ સેવા પુરી પાડી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબનું સ્વપ્ન વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કર્યું છે. અહિં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં આ વિશ્વનું પસંદગી પર્યટન સ્થળ બની રહેશે અને ભારતનું નામ રોશન થશે.

અમદાવાદ-કેવડીયા એક્સપ્રેસમાં બેસીને આવેલા ચર્ચ ઓફ નોર્થ ઓફ ઇન્ડીયા ડાયોસીસ તરીકે સેવા આપનારશ્રી રેવન સંજીવ ક્રિચ્યને કહ્યું કે, ભારતવર્ષના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના અને અવિસ્મરણીય ઘટના ગણાવી શકાય.

ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ રેલ સેવા પુરી પાડી હોવાથી હું  પ્રધાનમંત્રીનો આભાર માનું છુ. તેની સાથસાથ આજનો દિવસ ગુજરાત માટે અવિસ્મરણીય ગણી શકાય.

અમદાવાદ-કેવડીયા જનશતાબ્દિ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા ગુજરાતની લોકગાયિકા અને કચ્છના વતની સુશ્રી ગીતાબેન રબારીએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને સરદાર સાહેબની પ્રતિમાને નમન કરીને ખૂબજ આનંદની લાગણી અનુભવું છુ. અન્ય સ્થળોની મુલાકાત પણ લીધી બહુ જ મજા આવી. વધુમાં તેમણે કહ્યું કે, તમામ લોકોને એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાની મુલાકાત લેવી જોઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ ગુજરાત સરકારે લોકોને આપી હોવાનું તેમણે જણાવ્યું છે.

પ્રતાપનગર-કેવડીયા મેમૂ ટ્રેનમાં બેસીને આવેલ વડોદરા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સુધીર જોશીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ઉત્કૃષ્ટ પ્રયત્ન અને રાજ્ય સરકારના અથાક પ્રયત્ન થકી જુદી જુદી જગ્યાએથી ૮ જેટલી  ટ્રેનોની ફ્લેગઓફ સેરેમની કરવામાં આવી છે.

વડોદરા-કેવડીયા રેલ્વે ટ્રેનમાં ૧૨ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમા વિવિધ ક્ષેત્રના લોકોએ આજે કેવડીયાની મુલાકાત દરમિયાન ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક, જંગલ સફારી પાર્ક સહિત અન્ય સ્થળોની મુલાકાત લઇને ખૂબજ આનંદ અનુભવેલ છે, વધુમાં તેમણે કહ્યું કે, એક ભારત-શ્રેષ્ઠ ભારતની થીમની સાથોસાથ હવે સર્વશ્રેષ્ઠ ભારત માટે સહુએ સંકલ્પબધ્ધ થઇને ભારતને વધુ વિકાસના પંથે લઇ જઇએ.

દાદર-કેવડીયા એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને આવેલા યાત્રીશ્રી પ્રશાંતભાઇ ગાંધીએ કહ્યું કે, અમે આજે પ્રથમ વખત અમારા બાળકો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે આવ્યા છીએ અહીં આવીને ખૂબજ મજા આવી. દેશના વડાપ્રધાનશ્રીએ આ રેલ સેવા પુરી પાડીને મહત્વનું કામ કર્યું છે. અમારે હવે કેવડીયા આવવા માટે કોઇ જ પ્રકારની મુશ્કેલી નહિ પડે અને સરળતાથી તમામ પ્રવાસીઓનો  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  આવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.