દિગ્ગજ સેમસંગ કંપનીના વાઇસ ચેરમેનને અઢી વર્ષની જેલની સજા
નવીદિલ્હી, દક્ષિણ કોરિયાની એક અદાલતે દિગ્ગજ કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વાઇસ ચેરમેન જે વાઈ લીને અઢી વર્ષની જેલની સજા સંભળાવી છે. ૫૨ વર્ષના લીને ૨૦૧૭માં પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગિયૂન-હાયની એક સહયોગીને લાંચ આપવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ૫ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેમણે આ આરોપોને ફગાવી દીધા હતા. અપીલ પર એક વર્ષ બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કૉર્ટે કેસને પાછો સોલ હાઈકોર્ટમાં મોકલ્યો હતો જેને સોમવારના પોતાનો ચુકાદો સંભળાવ્યો.
અદાલતના ચુકાદાની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પર ભારે અસર થશે. લી કંપનીના મહત્વના ર્નિણયોમાં ભાગ નહીં લઈ શકે. સાથે જ તેઓ કંપનીમાં ઉત્તરાધિકારીની પ્રક્રિયા પર પણ નજર નહીં રાખી શકે. લીના પિતાનું ઑક્ટોબરમાં નિધન થયું હતુ. દક્ષિણ કોરિયાના કાયદા પ્રમાણે ફક્ત ત્રણ વર્ષ અથવા તેનાથી ઓછાની સજા સસ્પેન્ડ કરી શકાય છે. આનાથી લાંબી સજા માટે જેલ જવું પડે છે. લી પહેલા એક વર્ષ જેલમાં રહી ચુક્યા છે. આ સમયગાળાને તેમની સજામાં સામેલ કરી શકાય છે.
આ ચુકાદાને સુપ્રીમ કૉર્ટમાં પડકારી શકાય છે, પરંતુ કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે સુપ્રીમ કૉર્ટ આના પર એકવાર ફરી ચુકાદો આપી ચુકી છે. આ કારણે હવે લી પાસે આ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. દક્ષિણ કોરિયાની સુપ્રીમ કૉર્ટે લાંચ પ્રકરણમાં પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગિયૂન-હાયની ૨૦ વર્ષની સજા ચાલું રાખી છે.HS