મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી
કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેઓ આ વખતે નંદીગ્રામમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે રાજકીય જંગને લઇ મમતા દીદીની આ જાહેરાત કેટલીય રીતે અગત્યની જણાય છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને રાજકીય જંગ ચાલુ છે. સોમવારના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ચૂંટણી સભા કરી અને અહીં ભાજપ પર નિશાન તાકયું.
મમતા બેનર્જીની તરફથી નંદીગ્રામમાં એક ચૂંટણી સભામાં જ આ અંગેની જાહેરાત કરી દેવાઇ અને કહ્યું કે હું ઇચ્છું છું કે આ વખતે અહીંથી ચૂંટણી લડું. મમતા બેનર્જી એ કહ્યું કે આ વખતે પણ બંગાળમાં ટીએમસીની સરકાર બનશે અને ટીએમસીને ૨૦૦થી વધુ સીટો મળશે.
મમતા બેનર્જી એ અહીં ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા શુભેંદુ અધિકારી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે નંદીગ્રામનું આંદોલન કોણે કર્યું, તેના પર તેમણે કોઇની પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી. આજે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને ભાજપના ત્રણેય કૃષિ કાયદા તરત પાછા લેવા જાેઇએ.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે મોદી સરકાર બિન ભાજપી સરકાર પર ભેદભાવ રાખી રહી છે અને પોતાના રાજકીય લાભ ઉઠાવવા માટે સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે.તેમણે કહ્યું હતું કે ભાજપ માત્ર વાતો કરી રહી છે મોદી સરકાર કિસાન મહિલાઓ સામાન્ય વર્ગની વિરોધી સરકાર છે તે માત્ર મુડીપતિઓની સરકાર છે તેને સામાન્ય જનતાની પડી નથી.HS