ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર ૧૦ કરોડ લેવાનો આરોપ
નવીદિલ્હી, ખેડૂત આંદોલન દરમિયાન પ્રથમવાર સંયુક્ત મોરચાની બેઠકમાં ખેડૂતોમાં ફૂટ પડી હોવાનું નજરે પડ્યું. હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરનામ ચઢુની પર આંદોલનને રાજનીતિનો અડ્ડો બનાવવા, કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવવા અને દિલ્હીમાં સક્રિય હરિયાણાના એક કોંગ્રેસ નેતા પાસેથી આંદોલનના નામે લગભગ ૧૦ કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લાગ્યા હતાં. આરોપ હતો કે તે કોંગ્રેસી ટિકિટના બદલામાં હરિયાણા સરકારને તોડી પાડવાની ડીલ પણ કરી રહ્યા છે. જાે કે ચઢુનીએ તમામ આરોપો નકારી દીધા છે.
કિસાન નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે બેઠકમાં મોરચાના સભ્ય તેમને તરત મોરચામાંથી હાંકી કાઢવા ઈચ્છે છે, પરંતુ આરોપોની તપાસ માટે ૫ સભ્યની કમિટી બનાવવામાં આવી, જે ૨૦ જાન્યુઆરીએ રિપોર્ટ આપશે. એ જ આધાર પર ર્નિણય લેવામાં આવશે.રાષ્ટ્રીય તપાસ એજન્સી ખેડૂત આંદોલનમાં ટેરર ફંડિંગ અંગે તપાસ કરી રહી છે. આંદોલન સાથે સંકળાયેલા ૫૦થી વધુ લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. એનાથી રોષે ભરાયેલાં ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે તેમની સાથે સંકળાયેલા કોઈ નેતા કે કાર્યકર્તા એનઆઇએ સમક્ષ હાજર નહીં થાય.
કૃષિ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટ તરફથી બનાવાયેલી કમિટીમાંથી રાજીનામું આપી ચૂકેલા ભૂપિન્દર સિંહ માને જે રીતે કમિટી છોડી, તેમના રાજીનામા અંગે ધમકીઓ મળવા સહિત અનેક કયાસ લગાવાય છે. તેમણે જણાવ્યું હતું કે મારા પર ન તો વિદેશી સંગઠનો કે સંસ્થાઓનું કે ન તો સત્તા પક્ષનું દબાણ હતું. ન તો મને કોઈના તરફથી ધમકી મળી છે કે જેના વિશે અફવાઓ ફેલાઈ રહી છે. જ્યારે ખેડૂતો કમિટી સાથે વાત ન કરવા માગે, હું તેમનો અવાજ રિપોર્ટમાં સામેલ ન કરી શકો તો સભ્ય બની રહેવાનો હક નથી. મેં ૪૮ કલાક સતત વિચાર કર્યો કે શું હું ખેડૂતોનો અવાજ ઉઠાવી શકીશ તો અંતર્મનમાંથી અવાજ આવ્યો કે આ સંભવ નથી. મેં ચીફ જસ્ટિસ સાથે વાત કરી અને ૧૫ મિનિટમાં જ રાજીનામું આપી દીધું.
તેમણે કહ્યું કે અંગત હિત માટે ખેડૂતો રસ્તા પર ઊતરતા નથી. ખેડૂતોની માગણીઓ વાજબી છે. કેન્દ્રએ યોગ્ય રીતે માગણીઓનો ઉકેલ લાવવો જાેઈએ. હું કાયદાઓની તરફેણમાં નથી. ખેડૂતોની આવક પર ટેક્સનો માર છે. હવામાનનો માર પણ સહન કરે છે. પાકની કિંમત જેવી સમસ્યાઓ પર કેન્દ્રએ કામ કરવાની જરૂર છે. હાલની નીતિઓમાં એવું જાેવા મળતું નથી.HS