ઇમરાન ખાને મોદી સરકાર ઉપર આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકયો

ઇસ્લામાબાદ, રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની કથિત ચેટમાં બાલાકોટનો ઉલ્લેખ આવ્યા બાદ ઉઠેલા વિવાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ કૂદી પડ્યા છે. કાશ્મીરી આતંકવાદીઓને પોષતા ઇમરાન ખાને મોદી સરકાર પર આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકયો છે. તેમણે દાવો કર્યો કે મોદી સરકારે ચૂંટણીનો ફાયદો ઉઠાવા માટે આખા વિસ્તારને સંઘર્ષની આગમાં નાંખવાનું કામ કર્યું.
ઇમરાન ખાને ટિ્વટ કરી કહ્યું કે અર્નબ ગોસ્વામી કાંડ એ ખુલાસો કરે છે કે મોદી સરકાર અને ભારતીય મીડિયા વચ્ચે અપવિત્ર સંબંધ છે પરમાણુ હથિયારથી સજ્જ આ વિસ્તારને સંઘર્ષની આગમાં ધકેલવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર ફાંસીવાદી વલણ અપનાવી રહ્યું છે અને તેમની સરકાર આના ખુલાસાઓ કરતું રહેશે. ઇમરાને દુનિયાભરમાંથી માંગણી કરી છે કે જાે તેઓ ભારતના સૈન્ય એજન્ડાને રોકશે નહીં તો મોદી સરકાર આખા વિસ્તારને એવા સંકટમાં નાંખી દેશે કે જેના પર નિયંત્રણ કરી શકાશે નહીં.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલનારા ઈમરાન ખાને ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. પાકિસ્તાની વડાપ્રધાને દાવો કર્યો કે મોદી સરકારે ચૂંટણીના લાભ માટે બાલાકોટને અંજામ આપ્યો. તેમણે ૨૦૧૯ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા એક ભાષણને ટાંકતા કહ્યું કે મોદી સરકારે બાલાકોટનો ઉપયોગ સ્થાનિક ચૂંટણીઓના લાભ માટે કર્યો હતો.
અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે અર્નબ ગોસ્વામી પર થયેલા ખુલાસાએ ભારતની ભયાનક વિચારસરણીનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન ઘણા સમયથી આ જ કહેતું આવ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવા અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ભાજપ સરકારે બાલાકોટ અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તેનો ઉદ્દેશ ભાજપની ચૂંટણી જીતવાનો હતો. આ કથિત ચેટ્સ એ બતાવે છે કે બે વર્ષ પહેલા બાલાકોટમાં થયેલા હુમલા અંગે અર્નબને પહેલેથી જ ખબર હતી. અર્નબે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)ના સીઇઓ પાર્થ દાસગુપ્તા સાથે વાતચીતમાં કહ્યું હતું કે કંઈક મોટું થવાનું છે. ઇમરાન ખાનની સરકાર પહેલા પણ અનેકવાર ભારત સરકાર પર ખોટા આરોપો લગાવી ચુકી છે.HS