Western Times News

Gujarati News

લાંભાઃ ‘નલ બિના જલ કહાં’: મહાનગરમાં ટેન્કર રાજ

પ્રતિકાત્મક

વોર્ડના ૫૦ ટકા વિસ્તારમાં પાણી-ડ્રેનેજ નેટવર્કનો અભાવઃ સ્મશાનગૃહની દયનીય સ્થિતિઃ મ્યુનિ.તંત્રની બેદરકારીનો લાભ ખાનગી બોર માલિકો લઈ રહ્યા છે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરના સમતોલ વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે. તદુપરાંત છેલ્લા ત્રણ ટર્મથી સત્તા સ્થાને રહેલ ભાજપા દ્વારા પણ પૂર્વ અને પશ્ચિમની ભેદરેવી ભૂંસવા માટે જાહેરાતો વારંવાર થતી રહી છે. પરંતુ આ તમામ દાવા અને જાહેરાતો માત્ર “કાગળ” પર જ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

મ્યુનિ.કોર્પાેરેશનની હદમાં ૨૦૦૬-૦૭માં સમાવિષ્ટ થયેલા લાંભા વોર્ડમાં વિકાસના નામે લગભગ શૂન્ય બરાબર છે.ત્રણ સાંસદો, પાંચ ધારાસભ્યો અને ચાર કોર્પાેરેટરો હોવા છતાં લાંભાના નાગરીકો રોડ, પાણી, ડ્રેનેજ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યાં છે. “સ્માર્ટ સીટી”ના છેવાડે આવેલા લાંભાના અંતિધામની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. સમગ્ર રાજ્યમાં “નલ સે જલ”યોજનાનો અમલ થઈ રહ્યો છે. જ્યારે લાંભામાં માત્ર “નલ” માટે પણ નાગરીકોએ દેખાવો કરવા પડે છે. મ્યુનિ.કોર્પાેરેશનની બેદરકારીનો લાભ ખાનગી બોર માલિકો લઈ રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

મુંબઈથી અમદાવાદ તરફ આવતાં શહેરના પ્રવેશદ્વાર લાંભાના વિકાસ તરફ મ્યુનિ.વહીવટીતંત્ર અને તત્કાલીન સત્તાધીશો દ્વારા લેશમાત્ર ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના કારણે જ સ્થાનિક નાગરીકોને અંતિમધામ માટે પણ આવેદનપત્ર આપવાની ફરજ પડી રહી છે. લાંભા ઈન્દીરાનગર વિભાગ-૧ની સામે આવેલા અંતિમધામમાં “ડેડબોડી”ને બાવવા માટે લાકડા પણ મળતા નથી. તેમજ નનામી લઈને આવેલા લોકો માટે પાણીની પણ વ્યવસ્થા નથી. શહેરના સૌથી મોટા વોર્ડના સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે માત્ર એક જ ભઠ્ઠી છે. તથા જે સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેની ઉપરના ભાગે છત તૂટેલી હોવાથી મૃતદેહ પર પોપડા પડતા હોય છે.

સ્મશાનની ફરતે દિવાલ ન હોવાથી કેટલીક વખત બાવવામાં આવેલ મૃતદેહ અવશેષ લઈને પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં લઈ જતા હોય છે. લાંભામાં જે સ્થળે આ સ્મશાન આવેલ છે તેની બાજુમાં જ તળાવ છે જેને કરોડો રૂપિયાના ખર્ચથી ડેવલપ કરવામાં આવ્યું છે. પરંતુ સ્મશાનમાં લાકડા, લાઈટ, પાણી અને દિવાલના કામ કરવામાં આવતા નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાકડા માટે બળિયાદેવ મંદિર ટ્રસ્ટ પર આધાર રાખવો પડે છે. લાંભા સ્મશાનને ડેવલપ કરવા માટે વોર્ડના આસી.મ્યુનિ.કમીશનરને સ્થાનિક નેતાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ડેલીગેટ અને પ્રદેશમંત્રી રાજેશભાઈ સોનીએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેલ્લા ૦૬ મહિનાથી “નલ સે જલ”યોજના ચલાવી રહી છે.

પરંતુ લાંભા વોર્ડમાં નાગરીકોના ઘરે “નલ”જ નથી તો “જલ” ક્યાંથી આવશે ? લાંભા વોર્ડના લગભગ ૫૦ ટકા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજના નેટવર્ક નથી. પાણીના નેટવર્ક ન હોવાનો લાભ ખાનગી બોર માલિકોને મળી રહ્યો છે. આ વિસ્તારના રંગોલી નગરમાં ચાર જેટલા ખાનગી બોર માલિકો દ્વારા અંદાજે ચાર હજાર મકાનોમાં માલિક રૂા.૩૦૦થી ૫૦૦ લઈને પાણી આપવામાં આવે છે. ખાનગી બોર માલિકો માત્ર એક કલાક પાણી આપે છે. જ્યારે સરાણિયા વાસમાં ૮૦ જેટલા પરિવારો માટે મનપા દ્વારા દૈનિક એકથી બે ટેન્કર આપવામાં આવે છે. જેનો સમય ટેન્કર ડ્રાયવરોની અનુકુળતા મુજબનો રહે છે.

લાંભા વોર્ડમાં ૨૦૦૬ બાદ પ્રથમ વખત રોડ-રસ્તા બન્યા છે. પરંતુ આ વિકાસ પણ એકતરફી રહ્યો છે. તથા સ્વર્ણિમ બજેટમાંથી ૮૦ ટકા કરતા વધુ કામ વટવા વિધાનસભાના વિસ્તારમાં થયા છે. મોતીપુરાથી લાંભા સુધી અંદાજે ત્રણ કિલોમીટરના રોડનું ત્રણ વર્ષ પહેલા ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેનું કામ હજી પૂર્ણ થયું નથી. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ.હદમાં ૧૩-૧૪ વર્ષ અગાઉ લાંભાનો સમાવેશ થયો છે તેમ છતાં આ વિસ્તારમાં નાંખવામાં આવેલ ડ્રેનેજ-પાણી નેટવર્કના નકશા ઈજનેર ખાતા પાસે ઉપલબ્ધ નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.