મુંબઈના કાપડ દલાલ અને વેપારીએ ભેગા મળી સુરતના વેપારીને ૪૪ લાખનો ચૂનો ચોપડ્યો
અંબાજી ટેક્ષટાઇલ માર્કેટના વેપારી સાથે ૪૪ લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ-વેપારીને પૈસા આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી
સુરત, શહેરના ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા અને રિંગરોડ પર આવેલ અંબાજી ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને મુંબઈના કાપડ દલાલ અને વેપારીએ ભેગા મળી ૪૪ લાખનો ચૂનો ચોપડ્યો હતો. કાપડ દલાલ અને વેપારીએ ભેગા મળી અલગ અલગ બિલથી ૪૪.૨૨ લાખનો માલ મંગાવી લીધો હતો.
આ માળના પૈસા આપવાના બદલે બાદમાં વેપારીને હાથ ટાંટિયા તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો સલાબતપુરા પોલીસે વેપારીની ફરિયાદ લઇ બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ન્યુ સિટીલાઇટ રોડ પર આવેલ મોનીલપાર્કમાં રહેતા રોહિત કિશન કાજાણી રીંગરોડ પર આવેલ અંબાજી ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન નંબર-૩૦૭૩ માં કે.કે.ઇન્ટરનેશનલના નામની દુકાન ધરાવે છે. ૨૦૧૭માં રોહિતભાઈ ચોઇથરામ જેથવાણી (કાપડ દલાલ) (રહે,૪/એ, ૧૩ વેરસોવા વ્યુ સોસાયટી ૪- બંગ્લો શેફર્ડ ચર્ચ પાસે અંધેરી વેસ્ટ મુંબઇ મહારાષ્ટ્ર)ના સંપર્કમાં આવ્યા હતા.
તેમના માધ્યમથી તેઓ ૨૦૧૭માં જ રીતેશ બાલાભાઇ શાહ (સ્વેતા એન્ટર પ્રાઇઝના પ્રોપરાઇટર તથા વહીવટકર્તા) (રહે-ફલેટ નંબર-૧૬ બીજો માળ લાભ કુંજ બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન પાસે વીલે પાર્લે વેસ્ટ મુંબઇ મહારાષ્ટ્ર ઠેકાણુ-બીપી ૬૦૪૩૨ લોમે ટોગો વેસ્ટ આફ્રિકા)ના સંપર્કમાં આવ્યા હતા. કાપડ દલાલે રોહિતભાઈ આગળ રિતેશના વખાણ કરી મોટો વેપારી બતાવ્યો હતો.
ત્યારબાદ ગત તારીખ ૦૮/૦૮/૨૦૧૭ થી ૨૧/૦૭/૨૦૧૭ ના સમયગાળા દરમિયાન અલગ અલગ બીલ ચલણથી કાપડનો ૪૪,૨૨,૨૫૧ રૂપિયાનો માલ મંગાવી લીધો હતો. જોકે બાદમાં રોહિતભાઈ એ પેમેન્ટની માંગણી કરતા કાપડ દલાલે ગાળ ગલોચ કરી, પેમેન્ટ મળશે નહી થાય તે કરી લે, હવે પછી પેમેન્ટની માંગણી કરી છે
તો તમારા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે રોહિતભાઈ એ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાપડ દલાલ અને વેપારી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.