Western Times News

Gujarati News

પાંડેસરામાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ગયેલી SMCની ટિમ પર હુમલો

સુરત (ફાઈલ)

ત્રણ અજાણ્યા ઈસમોએ મનપા કર્મીઓને માર મારી વાહન પર પથ્થરમારો કર્યો

સુરત,  પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ પ્રમુખ પાર્કમાં એક ખાનગી મિલકતદાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. આ વાતની જાણ ઉધના ઝોનના અધિકારીઓને થતા ગતરોજ ઉધના ઝોનની દબાણ ખાતાના અધિકારીઓ ટિમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ગેરકાયદેસર બાંધકામ અટકાવવાની કોશિશ કરી હતી.

આ દરમિયાન ત્રણ અજાણયા ઈસમોએ ત્યાં આવી મનપાની ટિમ પર હુમલો કરી મનપાના કર્મચારીઓને માર માર્યો હતો અને દબાણ ખાતાની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જેથી આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

બનાવની વિગત એવી છે કે ઉધના ઝોનના અધિકારીઓને ફરિયાદ મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ,પ્રમુખ પાર્ક ઇંડસ્ટ્રીયલ,પ્લોટનં.૫૪૧-૫૪૨માં મિલકતદાર દ્વારા કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

જે બાંધકામની ફરિયાદ મળતા આખરે ગતરોજ ઉધના ઝોનમાં ફરજ બજાવતા દબાણખાતાના અધિકારીઓની ટીમ અને કર્મચારીઓ જગ્યા પર પહોંચ્યા હતા. જ્યાં દબાણખાતાની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અટકાવવાની કોશિશ કરી હતી. આ સમયે ત્રણ અજાણયા ઈસમો ત્યાં આવી પ્હોચ્યા હતા અને મનપાની ટીમ પર હુમલો કર્યો હતો. મનપાના કર્મચારીઓને એલફેલ ગાળો આપી તેમને ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો.

આ ઉપરાંત ત્રણેય ઈસમોએ ત્યાં પડેલા પથ્થરો દ્વારા દબાણ ખાતાની ટીમ પર હુમલો કરી મનપાની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. જેથી આખરે મનપાના અધિકારીઓએ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી. બનાવને પગલે આખરે ઉધના ઝોનમાં ફરજ બજાવતા પ્રક્ષેશભાઇ મનુભાઇ ચૌધરી (રહે- આઇ/૪૦૨ ક્રિસ્ટલ એવન્યુ, કેનાલરોડ, પાલનપુર પાટીયા અડાજણ) એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.