CWCની મીટિંગમાં લેવાયો નિર્ણય: મે મહિનામાં યોજાશે કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

નવી દિલ્હીઃ કૉંગ્રેસમાં અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી ધમાસાણની વચ્ચે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. પાર્ટીના સૂત્રો મુજબ, મે મહિનામાં પાર્ટી સંગઠનની ચૂંટણી યોજાઈ શકે છે. અધ્યક્ષને લઈને વિરોધના સૂર ઉઠ્યા બાદ CWCની અગાઉની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટી સંગઠનની ચૂંટણી આયોજિત કરવામાં આવે. મે 2019માં રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી વચગાળાની અધ્યક્ષ બની હતી. કૉંગ્રેસ નેતાઓનું એક જૂથ માંગ કરી રહ્યું છે કે ફુલ ટાઇમ પ્રેસિડન્ટ ચૂંટવામાં આવે, જે એક્ટિવ પણ રહે.
સોનિયા ગાંધીએ CWCની બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ હદો પાર કરી દીધી છે. ખેડૂત આંદોલનને લઈ સોનિયા ગાંધીએ કહ્યું કે આ કાયદાઓને સરકારે ઉતાવળમાં પાસ કરાવી દીધા.
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલી ઝંડી આપવાની સાથોસાથ ચૂંટણીની તારીખની પણ જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને વચગાળાની અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.