‘‘અસાધારણ આસૂચના કૌશલ્યતા’’ પદક માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પસંદગી પામેલ અધિકારીઓનું રાજય પોલીસ વડા દ્વારા સન્માન
ગાંધીનગર, પોલીસ દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવામાં આવે અને પોલીસની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મેળે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પોલીસ કર્મચારીઓ/અધિકારીઓને પદક માટે નિશ્ચિત કરેલ ધોરણો મુજબ તેઓની પ્રશંસનીય કામગીરી બદલ પદક આપી સન્માન કરવામાં આવતું હોય છે.
ગુજરાત પોલીસ વિભાગના આતંકવાદ વિરોધી દળ ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચેતનકુમાર રતીલાલ જાદવને રાજ્ય પોલીસ દળના આંતકવાદ વિરોધી દળની ફરજ દરમ્યાન તથા રાજ્ય ઇન્ટેલીજન્સ બ્રાંચ ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફીસરશ્રી બાબુલાલ રતીલાલ ગીલાતરને ઇન્ટેલીજન્સ વિભાગની ફરજ દરમ્યાન ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી તથા આગવી સૂઝબૂઝ તથા સિમાચિન્હ રૂપ પ્રસશંનીય સેવા બદલ ભારત સરકારશ્રીના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘‘અસાધારણ આસૂચના કૌશલ્યતા’’ પદક-૨૦૨૦ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ હતા.
એવોર્ડ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પસંદગી પામેલ અધિકારીઓની ઉત્તમ કામગીરીને બિરદાવવા, તેમનું મનોબળ વધારાવા તેમજ ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ સેવા આપીને ગુજરાત પોલીસનું ગૌરવ વધારવામાં આવે તેવા વિશ્વાસ સાથે પોલીસ ભવન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓની હાજરીમાં રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા ‘‘અસાધારણ આસૂચના કૌશલ્યતા’’ પદકના વિજેતાઓને પ્રશંસાપત્ર આપી બહુમાન કરવામાં આવેલ.