સુરત પોલીસે સભા માટે પરવાનગી નહિં આપતા ખેડૂતો સંગઠનોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવતા પોલીસને નોટિસ
સુરતના જહાંગીરપુરા ખાતે ૨૪મીએ ખેડૂત સભા યોજાશે- કૃષિ કાયદાના વિરોધમાં રાજ્યના ખેડૂતો આગળ આવ્યા
સુરત, આગામી તારીખ ૨૪મી જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનના સમર્થનમાં સુરતના જહાંગીરપુરા ખાતે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાંથી ૩૦૦ ખેડૂતો હાજરી આપી આ સભાને ગજવશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ખેડૂત સભાનું આયોજન કરાયું હતું પરંતુ સુરત પોલીસે સભા માટે પરવાનગી નહિં આપતા ખેડૂતો સંગઠનોએ હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટે તેઓને સભા યોજવા પરવાનગી આપવા સુરત પોલીસને નોટિસ ફટકારી છે.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાના સુધારા અંગે અને કાયદા પરત ખેંચવા માટે દિલ્હી બોર્ડર પર ખેડૂતો દિવસોથી શાંતિથી આંદોલન કરી રહ્યાં છે. સરકાર સાથે આઠ મંત્રણાઓનો કોઈ સાર નીકળ્યો નથી. આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના ખેડૂતો જાેડાયા છે
જે સંદર્ભે તેઓના સમર્થનમાં સુરતમાં પણ ખેડૂત સમાજના નેજા હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે માટે પરમીશન મળી ન હતી પરંતુ હવે જ્યારે હાઈકોર્ટ તરફથી જ પરવાનગી મળતાં ખેડૂત સંગઠનો દ્વારા આગામી ૨૪મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શહેરના જહાંગીરપુરા ખાતે વિશાળ ખેડૂત સભા યોજાનાર છે અને જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઠેરઠેરથી ઉમટી પડશે. માત્ર ભરૂચ જિલ્લામાંથી જ ૩૦૦ ખેડૂતો આ સભામાં હાજરી આપશે.
આમ ખૂબ વિશાળ પાયે યોજાનારા આ સભામાં ઊમટી પડવા ખેડૂત સંગઠનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂત ભાઈઓના સમર્થનમાં આ સભાને સંપૂર્ણ રીતે સફળ બનાવવા દક્ષિણ ગુજરાતનો તાત મેદાન પડનાર છે.