સિંધુ બોર્ડરથી શૂટરની ધરપકડ, ૪ ખેડૂત નેતાની હત્યાનું ષડયંત્ર હતું
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂતોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સિંધુ બોર્ડર પર શુક્રવારે રાતે એક શકમંદ શૂટરને પકડવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત કરતા આ કથિત શૂટેરે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કથિત શૂટરનું કહેવું છે કે તેને ૨૬મી જાન્યુઆરીના રોજ કંઈક ખોટું થવા પર મંચ પર બેઠેલા ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પકડી લેવામાં આવેલા શૂટરે દાવો કર્યો છે કે ૨૬મી જાન્યુઆરીના રોજ કિસાન ટ્રેક્ટર રેલીમાં તે ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યો હતો. કિસાનોએ જે શકમંદને પકડ્યો છે તેણે જણાવ્યું કે, ૨૩થી ૨૬ જાન્યુઆરી વચ્ચે ખેડૂત નેતાઓને ગોળી મારવાની હતી અને મહિલાઓનું કામ લોકોને ઉશ્કેરવાનું હતું. શૂટરે કબૂલાત કરી છે કે તેણે ઝાટ આંદોલન વખતે પણ માહોલ ખરાબ કરવાનું કામ કર્યું હતું.
શકમંદે ખુલાસો કર્યો છે કે દેખાવ કરી રહેલા ખેડૂતો હથિયારો લઈને જઈ રહ્યા છે કે નહીં તેની તપાસ માટે બે ટીમ કામે લગાવવામાં આવી હતી. શૂટરે જણાવ્યું કે ૨૬મી તારીખે કિસાન નેતાઓ જ્યારે મંચ પર બેઠા હોય ત્યારે ગોળી મારવાનો આદેશ હતો. આ માટે શૂટરને ચાર લોકોની તસવીરો પણ આપવામાં આવી હતી.
શૂટરે જણાવ્યું કે તે ૧૯મી જાન્યુઆરીથી સિંધુ બોર્ડર પર છે. તેણે જણાવ્યું કે ૨૬મી જાન્યુઆરીને જ્યારે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા ત્યારે તે તેની સાથે ભળી જવાનો હતો. જાે દેખાવકારો પરેડ સાથે નીકળતા તો તેમના પર ફાયરિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
સિંધુ બોર્ડર પર ઝડપવામાં આવેલા શૂટરને ક્રાઇમ બ્રાંચની ઓફિસે લઈ જવામાં આવ્યો છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે આરોપીનું નામ યોગેશ છે. તે સોનીપતના ન્યૂ જીવન નગરનો નિવાસી છે. પોલીસના કહેવા પ્રમાણે તે ધોરણ-૯ નપાસ છે. હજુ સુધી તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.