સીરમ ઈન્સ્ટિટ્યૂટને આગથી એક હજાર કરોડનું નુકસાન
પુણે: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં લાગેલી આગને કારણે રૂ .૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે ગુરુવારે પરિસરમાં લાગેલી આગ દુર્ઘટના છે કે, કોઈએ જાણી જાેઈને આવું કર્યું છે, તે તપાસ રિપોર્ટ બાદ જ સામે આવશે. ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના મંજરી કેમ્પસમાં પાંચ માળના નિર્માણધીન ભવનમાં ભીષણ આગ લાગતા ૫ મજૂરોના મોત થયા હતા.
મુખ્યમંત્રી ઠાકરે ખુદ પુણેની સંસ્થા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં થયેલા નુકસાનનું સર્વેક્ષણ કર્યું હતું. બાદમાં તેમણે પત્રકારોને પણ સંબોધન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ), અદાર પૂનાવાલા પણ હાજર હતા. પત્રકારો સાથે વાત કરતા પૂનાવાલાએ કહ્યું કે, ૧૦૦૦ કરોડથી વધુ નુકસાન થયું છે, કારણ કે, ત્યાં એવા ઉપરકરણો અને ઉત્પાદનો હતા જે લોન્ચ થવાના હતા.
જાે કે, તેમણે ફરીથી જણાવ્યું કે આગને કારણે કોવિડ -૧૯ની રસી કોવિશિલ્ડના ઉત્પાદન પર કોઈ અસર થયો નથી.
પૂનાવાલાએ કહ્યું કે, સદભાગ્યે આપણી પાસે એક કરતા વધુ એકમ છે અને મુખ્યમંત્રીએ કહ્યું તેમ, કોવિડ -૧૯ રસીનો પુરવઠો આ ઘટનાથી પ્રભાવિત થશે નહીં. તેમણે કહ્યું, અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે જે જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં કોવિડ -૧૯ રસીનો જથ્થો નહોતો. જ્યા ઘટના બની ત્યાં અન્ય રસીઓ બનાવવામાં આવી રહી છે અને અમે તેમના ઉત્પાદન લક્ષ્યાંક પ્રાપ્ત કરીશું.
તેમણે કહ્યું કે આ બિલ્ડિંગમાં રોટાવાયરસ અને બીસીજી (ટીબી રસી) રસીઓનું એકમ હતું અને આગને કારણે ઘણું નુકસાન થયું છે. સંસ્થાના સીઈઓએ જણાવ્યું હતું કે અમે તેને પહોંચી વળવાનો પ્રયત્ન કરીશું અને અન્ય એકમો પાસેથી તેમનું ઉત્પાદન લક્ષ્યાંક મેળવીશું. વધારે નુકસાન આર્થિક રહ્યું છે પરંતુ સપ્લાયની દ્રષ્ટિએ કોઈ નુકસાન નથી.