ચીનને ભારતનો સખ્ત સંદેશ- જ્યાં સુધી ડ્રેગન નહી હટાવે સૈનિક, ત્યાં સુધી અમારા જવાનો ઉભા રહેશે
લદ્દાખ, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં ગતિરોધ ચાલુ છે. બંને દેશોના સૈનિકો સામ-સામે ઉભા છે. એક્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલ ડેડલોક અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, ભારત સૈન્યની સંખ્યામાં ઘટાડો ત્યાં સુધી નહી કરે જ્યાં સુધી ચીન આ પ્રક્રિયા શરૂ કરશે નહીં. જો કે, તેમણે વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન લાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
રક્ષામંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભારત સરહદી વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યું છે અને ચીને પણ કેટલાક પ્રોજેક્ટ્સ સામે વાંધો ઉઠાવ્યો છે. રાજનાથસિંહે ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સૈનિકોની સંખ્યા ઓછી નહીં થાય. જ્યાં સુધી ચીન આ પ્રક્રિયા શરૂ નહીં કરે ત્યાં સુધી ભારત સૈન્ય તૈનાત ઘટાડશે નહીં.”
આ મુદ્દે ચીન સાથેની વાટાઘાટ પ્રક્રિયાના સવાલ પર તેમણે કહ્યું કે, “ચાલુ ગતિરોધ જેવા મુદ્દાઓ પર કોઈ અંતિમ તારીખ નક્કી નથી.” તમે કોઈ તારીખ નક્કી કરી શકતા નથી.” રક્ષામંત્રીએ કહ્યું, “અમે વાતચીત દ્વારા સમાધાન શોધવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. “
અરુણાચલ પ્રદેશમાં ચીન દ્વારા એક ગામ વસાવ્યું હોવાના અહેવાલ અંગે રાજનાથસિંહે કહ્યું કે તે સરહદની બાજુમાં છે અને વર્ષોથી આવા માળખાગત વિકાસ થયો છે. જ્યારે વિદેશ પ્રધાન એસ જયશંકરે કરેલા આકારણી વિશે પૂછવામાં આવ્યું કે, ચીન સાથે દ્વિપક્ષીય સંબંધો છેલ્લા ચાર દાયકામાં સૌથી નીચલા સ્તરે છે અને શું ચીને ભારતનો વિશ્વાસ તોડ્યો છે, સિંહે કહ્યું, “તેણે કોઈ પણ સંદેહ વગર આમારો વિશ્વાસ તોડ્યો છે.” ખેડૂત આંદોલન અંગે પૂછતાં તેમણે કહ્યું કે સરકાર હંમેશાં મુદ્દા મુજબની ચર્ચા કરવા આગ્રહ રાખે છે.