નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ નમન કર્યા
નવીદિલ્હી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે ૧૨૫મી જયંતિ પર આજે પીએમ મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરીને નમન કર્યા છે. તેઓએ ટિ્વટર પર લખ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શત શત નમન, રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને યાદ રાખશે.
પીએમ મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ૧૨૫મા જયંતિ વર્ષના સમારોહના શુભ અવસરે તેમને સાદર નમન. તેમના અદમ્ય સાહસ અને વીરતાના સમ્માનમાં આખું રાષ્ટ્ર તેમની જયંતિને પરાક્રમ દિવસના રૂપમાં મનાવી રહ્યું છે. નેતાજીએ અનેક અનુયાયીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કર્યો છે.
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અસાધારણ યોગદાન આપનારા નેતાજી સૌથી પ્રિય રાષ્ટ્ર નાયકોમાંના એક છે. તેમની દેશભક્તિ અને બલિદાનથી આપણને પ્રેરણા મળે છે. તેઓએ આઝાદીની ભાવના પર બળ આપ્યું અને તેને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા.આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ,ગૃહ મંત્રી અમિત શાહે પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને નમન કર્યા હતાં.નાયડુએ જણાવ્યું હતું કે બોઝના દેશની આઝાદી માટેની ચળવળમાં ભાગીદારી માટે દેશ તેમનો રૂણી રહેશે.HS